શિયાળાની શરૂઆતે શાકભાજીના ભાવમાં ભડકો

1185
guj29102017-11.jpg

સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતાંની સાથે જ લીલા શાકભાજીથી બજારો ઊભરાય છે. સામાન્ય સિઝનમાં મોંઘાં મળતાં શાકભાજીના ભાવ શિયાળો આવતાં જ અડધા થાય છે. સારું ચોમાસુ વીત્યું હોવા છતાં શાકભાજીના ભાવ ભડકે બળતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે. રીંગણ અને દૂધી સિવાયનાં બધાં જ શાકભાજીના ભાવ રૂ.૮૦થી ૧૫૦ સુધી બોલાઈ રહ્યા છે. આ સિઝનમાં મળતી ભાજી હજુ સુધી બજારમાં દેખાઈ રહી નથી. રૂ.૧૦ની પુણી દીઠ મળતી ભાજીના ભાવ રૂ.૩૦ બોલાઈ રહ્યા છે. દિવાળી પછી ગુલાબી ઠંડીની સાથે જ બજારમાં ઊંધિયાની સામગ્રીનામુખ્ય ગણાતા પાપડી, વાલોળ, વટાણા, તુવેર સહિતના શાકભાજીથી બજારમાં ઊભરાય છે. પરંતુ અત્યારે કોઈ પણ શાક રૂ.૮૦થી નીચે નહીં હોવાના કારણે તહેવાર બાદ ફરી એક વાર ગૃહિણીઓના બજેટ ખોરવાયાં છે.
વટાણા, પાપડી, વાલોળ અને કંદના ભાવ રૂ.૧૫૦ સુધી પહોંચ્યા છે તો દાળ-શાકમાં વપરાતાં ટામેટાંનો ભાવ રૂ.૫૦ને આંબ્યો છે અને કોથમીર રૂ.૩૦૦ તો લીંબુ પણ રૂ.૧૦૦ના ભાવની હરીફાઈ કરી રહી છે. આ સિઝનમાં મળતી ભાજી પણ અદૃશ્ય છે. અને મળે છે તો પણ ડબલ ભાવે વેચાઈ રહી છે.
હોલસેલ વેપારીઓનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી પડી રહેલી સખત ગરમીના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
પાછલી સિઝનમાં થયેલો વરસાદ અને ગરમીના કારણે મહારાષ્ટ્રમાંથી આવતાં શાકભાજીની આવક ૫૦ ટકા ઘટી જતા ભાવો ઘટવાનું નામ લેતા નથી. હજુ પણ આગામી ૧૫ દિવસ સુધી ગૃહિણીઓએ શાકભાજીના ભાવ ઘટવા માટે રાહ જોવી પડશે.