ભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન

1079
bvn29102017-7.jpg

ભરતનગર ખાતે દર વર્ષની પરંપરા અનુસાર ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ દ્વારા આગામી ૩૧મી મંગળવારને કારતક સુદ અગિયારસના રોજ સાંજે ભવ્ય તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં હિન્દુ ધર્મની પરંપરા અનુસાર તમામ ધાર્મિક વિધિ સાથે વાસુદેવ પુત્ર લાલજી મહારાજના લગ્ન દક્ષ પ્રજાપતિ વર્મણ પુત્રી સૌ.કાં. તુલસીવૃંદા સાથે યોજાશે.
ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ભરતનગર ખાતે છેલ્લા ર૦ વર્ષથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન લાલજી મહારાજના લગ્ન ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. લગ્નમાં કન્યા પક્ષે યજમાન તરીકે ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ અને વિપુલભાઈ મોરડીયા રહેશે. જ્યારે વર પક્ષે યજમાન તરીકે પ્રવિણભાઈ મકવાણા અને શ્રીનાથજીનગર સ્થિત સમગ્ર અક્ષરપાર્ક સોસાયટી રહેશે. મંડપ મુર્હુત ૩૧મીને મંગળવારના રોજ સવારે ૯ કલાકે જુના બેમાળીયા, બ્લોક નં.૭૮૧, ભરતનગર ખાતે યોજાશે. જ્યારે જાનપ્રસ્થાન સાંજના ૬ કલાકે અક્ષર પાર્ક સોસાયટી શ્રીનાથજીનગરથી થશે. જે ભરતનગરના રાજમાર્ગો પર ફરી સીતારામ ચોક, જુના બે માળીયા, ભવાની માતા મંદિર, ૧ર નંબર બસ સ્ટોપ થઈ લગ્નસ્થળે પહોંચશે. તુલસીવૃંદાનું પૂજન સાંજે ૪ કલાકે લગ્નસ્થળ ભરતનગર ફ્રેન્ડ ગ્રુપ, મઢુલી પાન પાસે, ભરતનગર ખાતે યોજાશે. જ્યારે જાનનું સામૈયુ સમગ્ર ભરતનગર તરફથી સાંજે ૮-૧પ કલાકે કરવામાં આવશે અને ભગવાનનો હસ્તમેળાપ રાત્રિના ૮-૪પ કલાકે યોજાશે. તુલસીવિવાહને લઈ સમગ્ર ભરતનગરમાં સ્વયંભુ ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. સમગ્ર ભરતનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. રંગીન સુશોભિત કમાનો અને રંગબેરંગી રોશનીથી સમગ્ર ભરતનગર ઝળહળી રહ્યું છે. ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના તમામ મિત્રો સાથે ભરતનગરના અન્ય નાના મોટા ગ્રુપના સ્વયંસેવકો લગ્નને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. ડી.જે. અને આતશબાજી વચ્ચે ભગવાન લાલજી મહારાજના સામૈયા બાદ લગ્ન ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના યજમાન પદે મઢુલી પાન પાસે ધામધૂમપૂર્વક ઉજવાશે. સુશોભિત લગ્ન મંડપ ખાતે લગ્નવિધિ વરિષ્ઠ શાસ્ત્રી રસીકભાઈ જોશી અને શૈલેષભાઈ જોશી દ્વારા કરાવવામાં આવશે. જ્યારે લગ્ન દરમ્યાન લગ્નગીતો અને ફટાણાની રમઝટ ભાવેશભાઈ રાવળ, નીમીશાબેન રાવળ અને ગ્રુપ તરફથી કરવામાં આવશે. સમગ્ર તુલસી વિવાહને સફળ બનાવવા ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે.

કાળીયાબીડ ખાતે મંગળવારે ભવ્ય તુલસી વિવાહ યોજાશે
ભાવનગર, તા.ર૮
દર વર્ષની પરંપરાગત મુજબ આ વર્ષ રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ તુલસી વિવાહ મહોત્સવ સમિતિ કાળીયાબીડ વસાહત દ્વારા ૧૭માં તુલસી વૃંદા વિવાહનું આયોજન કરેલ છે. આ તુલસી વિવાહ તુલસી વૃંદા પક્ષે ગીતાબેન ગીરીશભાઈ વાઘાણી પરિવાર જ્યારે ઠાકોરજી પક્ષે જસીબેન દેવાભાઈ સાટીયા પરિવાર રહેશે. તુલસી વિવાહમાં મંડપ મૂર્હુત મંગળવાર તા.૩૧ને સવારે ૯-૦૦ કલાકે રહેશે. વ્રતવાળા બહેનોની પૂજન વિધિ તા.૩૧ને મંગળવાર બપોરના ૩-૦૦ કલાકે, ઠાકોરજીની જાન સાંજે ૬-૩૦ કલાકે બાપાની મઢુલી અયોધ્યા ચોકથી વિરાણી સર્કલ થઈ તુલસી ચોક, લખુભાઈ હોલ પાસે લગ્ન સ્થળે ઢોલ-નગારા, શરણાયું, ડીજે સાથે પહોંચશે. રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ તુલસી વિવાહ મહોત્સવ સમિતિ દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
જાન આગમન સમયે ભવ્ય ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવશે. હસ્તમેળાપ રાત્રિના ૯-૩૦ કલાકે રહેશે. તુલસી વિવાહમાં શુભમ કલાવૃંદ સુરભી પરમાર દ્વારા લગ્નગીત રજૂ કરવામાં આવશે. ઠાકોરજી અને તુલસી માતા પારસભાઈ જોશી, કાર્તિકભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવશે.
આ તુલસી વિવાહમાં ભવ્ય લાઈટ ડેકોરેશન, રંગોળી તેમજ તુલસી ચોક ખાતે આવેલ તુલસી માતાને શણગાર કરી શણગારવામાં આવશે. તુલસી વિવાહમાં સાધુ સંતો, મહંતો, રાજકિય અગ્રણીઓ દરેક સમાજના અગ્રણીઓ વિવિધ સત્સંગ મંડળ, વિવિધ સોસાયટીના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ દીપાવશે. તુલસી વિવાહમાં ભાવનગરની સર્વધર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા રિધ્ધિ-સિધ્ધિ મિત્ર મંડળ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.