પતિની હત્યા કરનાર પત્ની, પ્રેમીને આજીવન કેદ

982
bvn4112017-6.jpg

શહેરના મિલેટ્રી સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશના ટુકડા કરી કોથળામાં નાખી ખાટડી ગામે કુવામાં નાખી દીધાના બનાવનો આજે પાંચમાં એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરની કોર્ટમાં કેસ ચાલી જતાં પ્રેમીપંખીડાને આજીવન કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મિલેટ્રી સોસાયટી, ગણેશનગર પ્લોટ નં.રમાં રહેતા ઈલાબા નિતુભા ગોહિલે અઢી વર્ષ પૂર્વે તા.ર૧-૩-ર૦૧પના રોજ તેના પ્રેમી એવા ઘોઘા તાલુકાના ખાટડી ગામના દિવ્યરાજસિંહ જસુભા ગોહિલને રાત્રિના સમયે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન પતિ તથા બાળકો સુઈ ગયા હતા અને અચાનક ઈલાબાના પતિ નિતુભા છનુભા ગોહિલ જાગી જતાં અને કોણ છે તેમ કહી બહાર આવેલ જેથી પ્રેમી દિવ્યરાજસિંહ દોડીને બાથરૂમમાં નાસી ગયેલ. પરંતુ નિતુભાએ બાથરૂમ તરફ જઈ દિવ્યરાજસિંહને પકડી પાડેલ અને બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપી થયેલ. જેમાં સુઈ ગયેલા બાળકો પણ જાગી ગયા હતા. ઝપાઝપી દરમિયાન પ્રેમી દિવ્યરાજસિંહ ઉશ્કેરાઈ જઈ નિતુભાને નીચે પછાડી દીધેલ અને તે સમયે ઈલાબાએ પ્રેમીની મદદ કરી બન્ને ભેગા મળી નિતુભાનું ગળુ દબાવી મોત નિપજાવેલ. ત્યારબાદ લાશના ટુકડા કરી કોથળામાં નાખી ઘોઘા તાલુકાના ખાટડી ગામે લઈ ગયેલ અને જાડીઓમાં સંતાડી દીધા. ત્યારબાદ વાડીના કુવામાં લાશને ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો. 
આ બનાવ અંગે મૃતકના ભાઈ જગદિશસિંહ છનુભા ગોહિલે બોરતળાવ પો.સ્ટે.માં ઈલાબા તથા દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કલમ આઈપીસી ૩૦ર સહિત મુજબ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ આજે ભાવનગરના પાંચમાં એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ ભરત કે. વોરાની દલીલો, મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા સહિત સાક્ષીઓને ધ્યાને લઈ અદાલતે આરોપી દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ અને ઈલાબા નિતુભા ગોહિલને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. 
દંડની રકમ નિતુભા ગોહિલની સગીર વયની પુત્રીને વળતર તરીકે ચુકવી આપવી. તે સગીર હોય આ સંજોગોમાં તેના નામે ફિક્સ ડિપોઝીટમાં તેણી પુખ્ત વયની ન થાય ત્યાં સુધી જમા કરાવવા આદેશ કરાયો હતો. 

Previous articleવિમાનમાં ભાવનગર આવેલા મુસાફર રૂા.ર૦ લાખના દાગીનાની બેગ એરપોર્ટ પર ભુલી ગયા !
Next articleઆતંકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ