આતંકી હુમલામાં અમદાવાદનો જવાન શહીદ

779
guj4112017-7.jpg

જમ્મુ કશ્મીરના પુલવામા બોર્ડર પર આતંકીઓ સાથેની અથડામણમાં ૨૨ વર્ષના યુવાન પ્રદીપસિંહ બ્રિજકિશોરસિંહ કુશવાહ શહીદ થયો છે. જવાન પ્રદીપસિંહ માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયો છે, આ સમાચાર મળતાંની સાથે જ અમદાવાદના મેઘાણીનગરમાં રહેતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, જે દિવસે પ્રદીપસિંહનો પરીવાર તેમની સગાઈ નક્કી કરવાનો હતો તે જ દિવસે પ્રદીપસિંહની શહીદીના સમાચાર મળતાં પરીવાર પર જાણે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. પ્રદીપસિંહની શહીદી અંગેના સમાચાર સગાસ્નેહીઓમાં પ્રસરી જતાં પ્રદીપસિંહના નિવાસસ્થાને તેમના અંતિમ દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.
શહીદ થયેલા પ્રદીપસિંહનું પોસ્ટિંગ થોડાક સમય પહેલાં કશ્મીર સરહદે થયું હતું. જેમાં આજે પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં પ્રદીપસિંહને છાતીમાં ગોળી વાગી હતી અને તેઓ શહીદ થયાં હતાં. પ્રદીપસિંહના નિવાસસ્થાને ઉમટેલી માનવમેદનીએ પ્રદીપસિંહ અમર રહોના નારા લગાવ્યાં હતાં.  પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃતિ સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી માગ ઉઠી હતી. પ્રદીપસિંહના પાર્થિવદેહને આજે સાંજ સુધીમાં અમદાવાદ બાય એર લાવવામાં આવ્યો હતો.. એરપોર્ટ પર પ્રધાન નિર્મલા વાધવાણીએ ગુજરાત સરકાર તરફથી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યાંથી શહીદના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે આર્મી કેમ્પમાં લઇ જવામાં આવ્યો હતો. પ્રદીપસિંહના માતા-પિતા તેમની સગાઈ નક્કી કરવા માટે છોટાઉદપુર ગયાં હતાં, તેમને પણ આ સમાચાર મળતાં ઝડપથી અમદાવાદ આવવા નીકળી ગયાં હતાં. પ્રદીપસિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા શહીદ પ્રદીપસિંહના પરિવારને રુપિયા ૪ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Previous articleપતિની હત્યા કરનાર પત્ની, પ્રેમીને આજીવન કેદ
Next articleરાહુલએ જીજ્ઞેશ મેવાણીની ૯૦% માગ સ્વીકારી લીધી