સભ્યપદ બચાવવા રજાના દિવસે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

686
bvn1152017-8.jpg

ભાવનગર મહાપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજે આચારસંહિતાનો અમલ શરૂ હોવા ઉપરાંત આજે ગુરૂનાનક જયંતિની જાહેર રજા હોવા છતા સભ્ય પદ બચાવવા સાધારણ સભા બોલાવાઈ હતી. જેમાં ગત સભાની મીનીટ્‌સ પણ મંજુર કરાઈ ન હતી. જેનાથી વિપક્ષના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
નગર પ્રાથમિક સમિતિની સાધારણ સભા ૬૦ દિવસની અંદર બોલાવવી પડે અન્યથા સભ્ય પદ રદ્દ થઈ જાય છે. ગત સાધારણ સભા પમી સપ્ટેમ્બરે યોજાઈ હતી. જેના આજે તા.૪ નવેમ્બરના રોજ ૬૦ દિવસ થાય છે ત્યારે વર્તમાન સમયમાં વિધાનસભા ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂ હોવા ઉપરાંત ગુરૂનાનક જયંતિની જાહેર રજા હોવા છતાં સભ્યોનું સભ્યપદ રદ્દ થઈ જાય અને તમામ સભ્યો ઘરભેગા થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં આજે શિક્ષણ સમિતિની સાધારણ સભા ચેરમેન નિલેશ રાવલ દ્વારા બોલાવવામાં આવી હતી. આથી સત્તાધારી પક્ષની અણઆવડતથી વિપક્ષી સભ્યોમાં કચવાટ સાથે રોષ ફેલાયો હતો. આજની સભામાં ગત તા.પ સપ્ટેમ્બરના રોજ મળેલી શિક્ષણ સમિતિની સાધારણ સભાની મીનીટ્‌સ પણ આજની સભામાં મંજુર કરવામાં આવી ન હતી. જ્યારે સોમવારે તા.૬ના રોજ વેકેશન ખુલતું હોય આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી સભા સમેટી લેવામાં આવી હતી. 
સભાના પ્રારંભે જ વિપક્ષના કલ્પેશ મણીયારે આજે રજાના દિવસે પણ સભા કેમ બોલાવી તેવો પ્રશ્ન કરતા ચેરમેનને સભા બોલાવવાની સત્તા હોવાના જવાબ આપી પ્રશ્ન ઉડાવી દેવામાં આવ્યો હતો. જ્યારે કલ્પેશ મણીયારે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે, સમિતિના સભ્યોનું સભ્ય પદ જોખમમાં આવ્યું હોય આચારસંહિતાનો અમલ હોવા ઉપરાંત જાહેર રજા હોવા છતાં સભા બોલાવી છે ત્યારે શિક્ષકોના અને વિદ્યાર્થીઓને પ્રશ્ને પણ આવી કામગીરી કરાશે કે કેમ ? આજની બેઠકમાં ચીલાચાલુ ચર્ચાઓ કરી સભા સમાપ્ત કરી એક રીતે સભ્ય પદ બચાવી લેવામાં આવ્યું હતું. પરંતુ ગત સભાની મીનીટ્‌સ મંજુર કરાઈ નથી. જ્યારે આજની સભા માન્ય રહેશે કે કેમ ? તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે. 

Previous articleજવાનોએ બગદાણામાં પ્રસાદ લીધો
Next articleગુરૂનાનક જયંતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરાઈ