ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારો પર કોણ મંજૂરીની મહોર મારશે ?

826
guj10112017-7.jpg

હાલ ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યાં છે, ત્યારે ગુજરાતમાં રાજકીય દંગલની શરૂઆત થઇ ચૂકી છે. ચૂંટણીપંચ નામના રેફરીએ સિટી મારીને મલ્લયુદ્ધ લડવા માટે ભાજપ કોંગ્રસ અને અન્ય પક્ષેને હાકલ કર દીધી છે.  ત્યારે સત્તાધારી ભાજપમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ અને વિજય રૂપાણી તેમ જ સામે પક્ષે કોંગ્રેસમાં રાહુલ ગાંધી, ભરતસિંહ સોલંકી, અને બાલાસાહેબ થોરાટ ગુજરાતના ૧૮૨ ઉમેદવારો નક્કી કરવા અને તેને જાહેર કરવા માટે દિવસરાત એક કરી રહ્યાં છે, બંને પક્ષ છેલ્લાં ૨ વર્ષથી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયાં હતાં. દેશના ખ્યાતનામ જ્યોતિષીઓ અને પાર્ટીના ખાસ જાસૂસોને કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષઓમાં કોણ કપાય છે, કોને ટિકિટ અપાશે તે જાણવા માટે કામે લગાડી દીધાં છે સરકાર દ્વારા આઈ.બી. ને પણ કામે લગાડી દેવાઇ છે. સત્તા હાંસલ કરવા માટેના આંકડાને કેમ સર કરવા તે મિશનમાં હાલ બંને પક્ષઓએ કૂકરી ગાંડી કરી છે.
ભાજપ અને કોંગ્રેસ હાલ સફળતાના શિખરો સર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યારે રણનીતિકારમાં શ્રેષ્ઠ એવા પ્રશાંત કિશોર  ઉપરાંત એક નવું જ બ્રમ્હાસ્ત્ર શોધી કાઢ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને જીતાડવામાં જે એજન્સીનો સિંહફાળો છે તે એજન્સીને પણ કોંગ્રેસે કામે લગાડી છે. કોંગ્રેસમાં ૪૦ કે તેથી વધુ ધારાસભ્યો રીપીટ થશે તથા ૧૪૨ ઉમેદવાર નવા શોધવામાં મૂંઝવણ અને ધમાસાણ ચાલી રહી છે. કોંગ્રેસના મૂરતિયાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર (પીકે) નક્કી કરશે.
સામા પક્ષે ભાજપ દ્વારા ૧૨૧ હાલના વર્તમાન ધારાસભ્યો છે તેમાંથી લગભગ અડધા ભાગની ટિકિટો કપાશે કેમ કે પાટીદાર, દલિત, આદિવાસી, નોટબંધી અને જીએસટીનો રાક્ષસ ફાડી ખાવા સામે ઉભો છે ત્યારે તરવરિયા યુવાનો, મહિલાઓને ખાસ મહત્વ આપીને સીટો જીતી કાઢવા માટે સત્તાના સિંહાસને ફરી પહોંચાડવા ભાજપે  કવાયત હાથ ધરી રહી છે. હાલ બંને પોતપોતાની રીતે શસ્ત્રો સજાવીને ખાંડા ખખડાવી રહ્યાં છે.
બંને પાર્ટીના નેતાઓ અને આગેવાનો કોને ટિકિટ મળશે અને કોની ટિકિટ કપાશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે યમરાજા જેવા નિરીક્ષકો કોને જીતાડશે અને કોને ટિકિટ કાપીને રાજકીય જીવ લેશે તે ખૂબ સસ્પેન્સ બાબત છે. આનો અંત આવતી ૧૫ થી ૨૦ તારીખ સુધીમાં બે તબક્કે પોતાના ઉમેદવારો જાહેર કરીને બંને પક્ષે લાવશે. હાલ સબ સલામતીની આલબેલ પોકારતા ભાજપ – કોંગ્રસ સમય આવ્યે હરાવવા અને જીતાડવાના સામસામે મોરચા માંડશે અને ૧૮ ડીસેમ્બર પરિણામ જાહેર થયા બાદ જ અદ્ધર શ્વાસ નીચે બેસાડશે તેમ રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે.
વરરાજા રુપે કોને પોંખવા અને કોને દરવાજો દેખાડવાનો તે માટે બંને પક્ષ ખૂબ ઝીણવટભરી રીતે આગળ વધી રહ્યાં છે. કહે છે ને કે દૂધનો દાઝયો છાશ પણ કૂંકીકૂંકીને  પીવે તે રીતે મહાયત્ન બન્ને પક્ષે ચાલી રહ્યો .છે ભાજપમાં નિરીક્ષકો અને પાર્લામેન્ટરી બોર્ડની કવાયત માત્ર ઔપચારિકતા જ બની રહેશે. કેમકે ઉમેદવારો નક્કી કરવાનો આખરી નિર્ણય દિલ્હી સ્થિત વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ લેશે તેમાં બે મત નથી.