વિકલાંગોના પડતર પ્રશ્ને લાભુભાઈ સોનાણીની રાહુલ ગાંધી સાથે મુલાકાત

642
bvn113112017-2.jpg

તા.૧૧ નવેમ્બર-ર૦૧૭ શનિવારના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘના પ્રમુખ તથા વિકલાંગોના પથદર્શક લાભુભાઈ સોનાણીની મુલાકાત રાહુલ ગાંધી થઈ હતી. જેમાં વર્તમાન સમયમાં ગુજરાતમાં વિકલાંગોના વિવિધ પ્રાણપ્રશ્નોની ગહન ચર્ચાઓ થઈ હતી. જેમાં વિકલાંગ બાળકોના મેડીકલ સર્ટીફીકેશન, શિક્ષણ, પૂનર્વસન અને વિવિધ સહાયકારી યોજનાઓના જડ નિયમોના કારણે વિકલાંગોને પડતી મુશ્કેલીઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં વિકલાંગોના વિવિધ કાયદાઓ તેમજ હાલમાં પસાર થયેલ ધ રાઈટ ઓફ પર્સન વીથ ડીસેબીલીટી એકટ ર૦૧૬નું સુચારૂ અમલીકરણ થતું નથી. કાયદા મુજબ હાલ ર૧ વિકલાંગતાઓ છે. જેમાંથી ગુજરાતમાં ઘણી બધી વિકલાંગતાના મેડીકલ સર્ટીફીકેશન થતા નથી. જેમ કે સ્લોલર્નર, લર્નિંગ, ડીસેબીલીટી જેથી લાભાર્થીઓ વંચીત રહે છે. શિક્ષણની વાત કરીએ તો વિશિષ્ટ શાળાઓમાં અપૂરતો સ્ટાફ, સર્વ શિક્ષા અભિયાનમાં કરાર આધારિત વિશિષ્ટ શિક્ષકો તેમજ માધ્યમિક તબક્કે ચાલતી સંમિલિત શિક્ષણ યોજનામાં વિશિષ્ટ શિક્ષકોને સામાન્ય શિક્ષકોને મળતા લાભો આપવા નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાના આદેશને વર્તમાન ગુજરાત સરકાર અવગણી રહી છે,ો તો વિવિધ યોજનાના જડ નિયમોને કારણે લાભાર્થીઓ વંચીત છે. કાયદાની જોગવાઈ અનુસાર ૧૮ વર્ષના તમામ બાળકોને શિક્ષણ, વ્યવસાયિક તાલીમ અને નોકરી માટે ખાસ અનામત હોવા છતાં લાભાર્થીઓ લાભથી વંચીત રહે છે.
લાભુભાઈ સોનાણીએ વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગ શબ્દને બદલે વિકલાંગ શબ્દનો ઉપયોગ ભલે કરો પરંતુ શિક્ષણ, રોજગાર અને પૂનર્વસન દ્વારા વિકલાંગોને દિવ્યતા બક્ષીએ એ જ યથાર્થ છે. વિકલાંગો માટે કાર્યરત વિશિષ્ટ શિક્ષકો, વહિવટી સ્ટાફ, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફને સામાન્ય કર્મચારીઓને મળતા લાભો આપી ભવ્યતા બક્ષવાની જરૂર છે જેથી કુશળ લોકો આ ક્ષેત્રમાં યોગદાન આપે.
મુલાકાત દરમિયાન શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી તેમજ કોંગ્રેસ પક્ષના અન્ય અગ્રગણ્યો હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધીની મુલાકાત બાદ મુલાકાત કેવી રહી ? તેવા પ્રશ્નનો જવાબ આપતા લાભુભાઈ સોનાણીએ જણાવેલ કે, રાહુલ ગાંધી નહેરૂ પરિવારમાંથી આવે છે. ૧૯૬૧માં જવાહરલાલ નહેરૂને નેત્રહિન વ્યક્તિએ બ્રેઈલપત્ર દ્વારા મળવાની ઈચ્છા જાહેર કરેલ. નહેરૂજીએ બીજા પાસે પત્ર વંચાવી ભાવનગર ખાતે યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં આવતા એરપોર્ટથી સીધા અંધશાળા ખાતે નેત્રહિન વ્યક્તિને મળવા દોડી આવ્યા હતા. આ અનુભવ પરથી એવું ચોક્કસ કહી શકાય કે, રાહુલ ગાંધી સંવેદનશીલ બની વિકલાંગોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવશે.