અનામત વગર પણ વ્યક્તિ આગળ વધી શકેઃ સામ પિત્રોડા

1258
guj10112017-5.jpg

ગુરૂવારે સવારે ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસ ભવન ખાતે તેમણે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. સામ પિત્રોડાએ ગુજરાતીમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું ગુજરાતમાં ૫ દિવસની યાત્રાએ છું અને અહીં લોકોને સાંભળવા આવ્યો છું. રાહુલ ગાંધીની ઇચ્છા છે કે, હું લોકો સાથે વાત કરી જાણું કે તેમની શું ઇચ્છા છે, શું માંગણી છે અને એ અનુસાર કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર થાય. લોકોની વાત સાંભળાની જવાબદારી તેમણે મને સોંપી છે. આજે વડોદરાથી શરૂઆત કરી હું જામનગર, અમદાવાદ, સુરત અને રાજકોટની પણ મુલાકાત લઇશ. તેમણે આગળ કહ્યું હતું કે, હું માનું છું કે, ગુજરાત વિકાસનું નવું મોડલ રજૂ કરી શકે છે. ઘણીવાર લોકો પાસે પણ સમસ્યાના જવાબ હોય છે. આ ઓપન પ્રોસેસ છે. આપણે લોકોને સાંભળીએ નહીં અને જાતે મેનિફેસ્ટો બનાવીએ એનો કોઇ અર્થ નથી. લોકોની વાત સાંભળવા માટે ૫ દિવસ પૂરતા નથી, પરંતુ ક્યાંકથી તો શરૂઆત કરવાની છે.
મત અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે, અનામત વિના પણ વ્યક્તિ આગળ વધી શકે છે. જરૂરિયાતમંદોને અનામત આપવી જોઇએ, પરંતુ એ વિના આગળ ન વધાય એવું નથી. હું અનામત વિના અહીં સુધી પહોંચ્યો છું. શિક્ષણ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આપણે શિક્ષણ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. હું ઘણા એવા ગુજરાતીઓને મળ્યો છું, જેમને અંગ્રેજીમાં હથોટી નથી. આ ખોટી વાત નથી, પરંતુ આગળ વધવા માટે આજે અંગ્રેજીને અવગણી શકાય એમ નથી.

Previous articleશિવસેના ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે, ૫૦-૭૫ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખશે
Next articleઅનામત મુદ્દે કોંગ્રેસ પાટીદારોને ઉલ્લુ બનાવે છે : વિજય રૂપાણી