ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રજા સંપર્ક કેમ આટલું વહેલું?

597
guj11112017-7.jpg

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બંને રાજકીય મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ પોતાના પક્ષના વિજય માટે તડાંમાર તૈયારીઓ કરવા લાગ્યાં છે. ગુજરાત ભાજપ તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ આયોજનો કરી રહ્યો છે. ગુજરાતમાં ભાજપને આ વખતે  કોંગ્રેસનો ડર નથી પણ ખુદ પોતાના શાસનકાળ દરમિયાન કરેલ ભૂલો અને પક્ષના અંદરોઅંદરના જૂથવાદ, નોટબંધી અને જીએસટીના કારણે થયેલી પ્રજાની નારાજગીનો છે.
રાજ્યપ્રધાનમંડળના કેટલાક પ્રધાન તો  પોતાના મત વિસ્તારમાં જતાં નથી. તો કેટલાકની અંદરની ઈચ્છા આ વખતે ચૂંટણી લડવાની ઓછી હોય તેમ પણ છે. ભાજપ ગૌરવ મહાસંપર્ક અભિયાન કરી લોકસંપર્ક દ્વારા પ્રજા પાસે જઈ રહ્યાં છે. સામાન્ય રીતે પ્રચાર પડઘમ શાંત થાય પછી ઉમેદવારો મતદાતાઓનો સંપર્ક કરતાં, અને તે પણ પદયાત્રા કરીને. પણ કોણ જાણે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મતદારો સાથેના સંપર્કસૂત્રને વધુ મજબૂત બનાવવાના ભાગ રૂપે આ વખતે ચૂંટણીપ્રચારના શ્રીગણેશ મતદાતાઓને રૂબરૂ મળીને કર્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી શરૂ કરીને તમામ નેતાઓ મતદાતાઓ સુધી રૂબરૂ પહોંચી રહ્યાં છે. મોદી સરકારની ઉપલબ્ધિઓને પ્રજા સુધી લઈ જવા માટે પત્રિકાઓની જાતે વિતરણ કરી રહ્યાં છે.
જીએસટી અને નોટબંધીના વિરોધને કારણે ભાજપને હવે મોદી સરકાર અને રૂપાણી સરકારની યોજનાઓના લાભ અંગે મતદારો વચ્ચે જઈને જાણકારી આપી રહ્યાં છે. હવે કોંગ્રેસ પણ ભાજપના જ રસ્તે ચાલીને મતદારો સાથે સીધો સંપર્ક કરશે.
બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ ભાજપ દ્વારા કરવામાં આવેલ ભૂલો અને વહીવટી નિષ્ફ્ળતાને લઈ “નવસર્જન જનસંપર્ક પદયાત્રા “ દ્વારા પ્રજાનો સંપર્ક શરૂ કર્યો છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ત્રણ વખત ત્રણત્રણ દિવસ આવીને પ્રજા સંપર્ક કર્યો  હતો, અને હવે ૧૧ નવેમ્બરથી ફરીથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. ગુરુવાર સવારથી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી નિશિત વ્યાસ, કે.આર.પટેલ, ડો.કૌશિક શાહ વગેરેની આગેવાની હેઠળ પદ યાત્રા બેનરો, ઢોલનગારાં સાથે નીકળી હતી.