કોંગ્રેસ ૧૬મી નવેમ્બરે ૭૦ ઉમેદવારોના નામ જાહેર કરશે

1271
guj11112017-11.jpg

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ૯ ડિસેમ્બરે થવાનું છે, ત્યારે કોંગ્રેસે ૧૬મી નવેમ્બરે પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવાનું જાહેર કર્યું છે. આજે નવી દિલ્હીમાં પક્ષના ટોચના નેતાઓની એક મિટિંગ મળી હતી, જેમાં સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ઔપચારિક યાદી ૧૬ નવેમ્બરે બહાર પાડવામાં આવશે. પહેલી યાદીમાં ૭૦ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાતમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે.પાટીદાર આંદોલન, ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર સાથે જોડાણ અને જિજ્ઞેશ મેવાણી સાથે રાહુલની મુલાકાત બાદ કોંગ્રેસ તમામ સમિકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરશે. હાર્દિક પટેલ પણ અનેકવાર જાહેર કરી ચૂકયો છે કે, જો પાસના કોઈ આગેવાનને કોંગ્રેસની ટિકિટ મળશે, તો તેને તે ટેકો આપશે. બીજી તરફ, અલ્પેશ ઠાકોરે પણ પક્ષને કેટલીક બેઠકો જીતાડી આપવાની ખાતરી આપી છે. તો, જિજ્ઞેશ મેવાણીએ ભલે અત્યાર સુધી કોંગ્રેસને ટેકો જાહેર ન કર્યો હોય, પરંતુ તે અનેકવાર દલિતોને ભાજપની વિરુદ્ઘમાં મત આપવા માટે અપીલ કરી ચૂકયો છે.છેલ્લા બે દાયકામાં પહેલી વાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે જોરદાર સક્રિયતા દાખવી રહી છે.
પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે, અને તેમણે અનેક રોડ શો તેમજ રેલીઓ કર્યા છે. પાટીદારોના પ્રભુત્વ ધરાવતા  વિસ્તારમાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર કરી ચૂકયા છે. પાટીદારોને અનામત આપવા અંગે પણ કોંગ્રેસ ફોર્મ્યુલા બનાવી રહી છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં આ તમામ સમિકરણોને ધ્યાનમાં રાખીને જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરવા કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર હશે.અત્યાર સુધી જોવા મળ્યું છે તે અનુસાર, કોંગ્રેસમાં હંમેશા ટિકિટ ફાળવણીના સમયે જ ડખા ઉભા થાય છે, અને પક્ષમાં આંતરકલેહ અને ટાંટિયાખેંચને કારણે વિરોધીઓ ફાવી જાય છે. ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસે આંતરિક ખેંચતાણને કારણે નજીવા માર્જિનથી કેટલીક બેઠકો ગુમાવી પડી હતી. કોંગ્રેસની ટોચની નેતાગીરી આ વખતની ચૂંટણીમાં આવી કોઈ સ્થિતિ ન સર્જાય તે માટે નીતિ દ્યડવામાં કેટલા સફળ રહે છે તેના પર રાજકીય પંડિતોની નજર છે.

Previous articleભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રજા સંપર્ક કેમ આટલું વહેલું?
Next articleકોંગ્રેસ પાસે લીડરશીપ-મુદ્દા નથી : ભરત પંડ્યા