કોંગ્રેસ પાસે લીડરશીપ-મુદ્દા નથી : ભરત પંડ્યા

780
guj11112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક અને ભવ્ય જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાએ આજે કહ્યુ હતુ કે સતત સામાન્ય લોકોની વચ્ચે જ રહ્યા છીએ. તેમની તમામ પ્રકારની મુશ્કેલીમાં તેમની સાથે રહ્યા છીએ. તમામ યોજનાના લાભ છેવાડાના નાગરિકોને મળે તેની ખાતરી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ જેવા લોકલક્ષી પગલાના કારણે લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની તકલીફને દુર કરવાના પગલા અવિરત લેવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે સામાન્ય લોકોની સમસ્યાને તેમના ઘરઆંગણે જ ઉકેલવાના ઇરાદા સાથે સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તમામ ટોપના લોકો જોડાયા હતા. આ સેવાસેતુ કાર્યક્રમને ખુબ સારો પ્રતિસાદ પણ સાંપડ્યો હતો. બિલકુલ નિચલા સ્તરે જઇને આ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં લોકોનો વિશ્વાસ અકબંધ રહે તે માટે અનેક કારણો છે. ભ્રષ્ટાચારના કોઇ દાખલા જોવા મળી રહ્યા નથી. પારદર્શી તંત્ર બનાવવાના તમામ પ્રયાસ યુદ્ધના ધોરણે કરવામાં આવી ચુક્યા છે. વહીવટી કામગીરી વધુ સરળ બને તેવા પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. લોકો સુધી તમામ પગલાના લાભ પહોંચે તેવા પ્રયાસ થયા છે. કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કરતા  તેમણે કહ્યું હતું કે, રાજીવ ગાંધી કોઇ સમયે કહેતા હતા કે, દિલ્હીથી એક રૂપિયો નિકળે છે અને લોકો સુધી પહોંચતા પહોંચતા ૧૫ પૈસા થઇ જાય છે. રાજીવ ગાંધીએ પરોક્ષરીતે ભ્રષ્ટાચાર હોવાની કબૂલાત કરી હતી પરંતુ ભ્રષ્ટાચારનો ઉકેલ લાવવા માટે કોઇ ઉપાય દર્શાવ્યા ન હતા. જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આ સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. દિલ્હીમાંથી એક રૂપિયો નિકળે ત્યારે લોકો પાસે પણ એક રૂપિયો જ પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે અને આનો લાભ પણ લોકોને મળી રહ્યો છે. લોકોની વચ્ચે અને લોકોની સાથે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતના અનેક ભાગોમાં જ્યારે પુરની વિકટ પરિસ્થિતિ હતી ત્યારે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના તમામ ટોપના લોકો અને કાર્યકર્તાઓ લોકોની મદદ માટે પહોંચ્યા હતા. દિનરાત એક કરીને મદદ કરવામાં લાગી ગયા હતા. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને એ વખતે પોતાની ચિંતા હતી. કોંગ્રેસ પાર્ટીના લોકો જ્યારે લોકોને કટોકટી અને મુશ્કેલીના સમયમાં તેમના સાથની જરૂર હતી ત્યારે દેખાયા ન હતા અને બેંગ્લોર જતા રહ્યા હતા.
તમામ લોકો આ બાબતથી વાકેફ છે. બનાસકાંઠા અને પાટણના જુદા જુદા ભાગોમાં વિનાશક પુર વેળા સમગ્ર રાજ્ય સરકાર કામે લાગેલી હતી. મુખ્યમંત્રી રૂપાણી પોતે દિનરાત એક કરીને બચાવ અને રાહત કામગીરી માટે નજર રાખવા માટે પહોંચી ગયા હતા. મુશ્કેલીમાં મુકાયેલા લોકો અને તેમના સગાસંબંધીઓને મળ્યા હતા. તરત જ પુરતી સહાયતા કરાઈ હતી. વળતરના ચેક પણ તરત જ આપવામાં આવ્યા હતા. રૂપાણી પોતે સૌથી અસરગ્રસ્ત એવા ધાનેરા અને અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા અને ખેડૂતોને મળ્યા હતા. વેપારીઓને પમ મળ્યા હતા અને પુરતી મદદ કરાઈ હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા ભરત પંડ્યાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઇ મુદ્દા નથી જેથી બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાસે કોઇ લીડરશીપ નથી. કોઇ મુદ્દા પણ નથી. ભાજપ ગરીબો સાથે જોડાયેલી પાર્ટી તરીકે સતત સક્રિય રહી છે અને ગ્રાસ રુટ ઉપર સતત કામો કરવામાં આવ્યા છે. સતત લોકોની વચ્ચે રહ્યા છે જેથી જીતનો પૂર્ણ વિશ્વાસ છે.

Previous articleકોંગ્રેસ ૧૬મી નવેમ્બરે ૭૦ ઉમેદવારોના નામ જાહેર કરશે
Next articleભાજપના સંભવિત ઉમેદવારો, રૂપાણી રાજકોટ વેસ્ટથી લડશ