શહેરમાં છ બગીચાના નવીનીકરણ માટે ત્રણ કરોડ ખર્ચ કરાશે

737
gandhi12112017-4.jpg

ગાંધીનગર શહેરના સેક્ટર વિસ્તારમાં આવેલા બગીચાઓ પાટનગર યોજના વિભાગે મહાપાલિકાને સોંપવાની શરૂઆત કર્યાની સાથે મહાપાલિકા દ્વારા તેના નવીનીકરણની યોજના પણ હાથ ધરવામાં આવી છે. તેમાં હવે વધુ ૬ બગીચાને વિકસાવવા માટે કમિશનર દ્વારા કરવામાં આવેલી રૂપિયા ૩ કરોડના ખર્ચની દરખાસ્તને મંજુર કરવામાં આવ્યા પછી આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જો કે તેમાં બાલોદ્યાન અને સરિતા ઉદ્યાનનો સમાવેશ નથી.
આ યોજના અલગથી હાથ ધરાઇ છે. સરકાર તરફથી પાટનગર યોજના વિભાગ પાસેથી લઇને મહાપાલિકાને સોંપવામાં આવેલા સેક્ટર ૧, ૭, ૯, ૨૧, ૨૪ અને સેક્ટર ૨૭માં આવેલા જાહેર બગીચાઓમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટે પ્રત્યેક બગીચા દિઠ રૂપિયા ૫૦ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો અને તેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ હતી.
ઉપરોક્ત ૬ બગીચાઓમાં પણ નવીનીકરણ અને બાળકોથી લઇને વડિલોને ઉપયોગી થાય તેવી સુવિધા ઉભી કરવાની આ યોજના છે. તેમાં લોન અને પેવર બ્લોક પાથરવા, બગીચા ફરતે ફેન્સિંગ કરવી, ચોકીદાર મુકવા, ઝાંપા લગાડવા અને બગીચામાં બાળકો માટે રમત ગમતના તથા યુવાનો માટે જીમને લગતા સાધનો મુકવા સંબંધિ કામગીરી કરવામાં આવશે.
ગાંધીનગરની ઓળખ પૈકીના સેક્ટર ૨૮ના બાલોદ્યાન અને જ રોડ પરના સરિતા ઉદ્યાનને વિકસાવવાની મોટી યોજના મહાપાલિકાએ હાથ ધરી છે. તેના પાછળ ૧૦ કરોડનો ખર્ચ થવાનો છે. બન્ને સ્થળે છ મહિનાથી વધુ સમયથી કામ શરૂ કરી દેવાયું છે. પરંતુ વર્તમાન ચૂંટણીના સંબંધમાં તેના લોકાર્પણનો લાભ લઇ શકાય તેમ નથી. કેમ કે આ મોટું કામ છે અને લાબો સમય ચાલશે.
શહેર વિસ્તારમાં આવેલા ૪ અર્બન હેલ્થ સેન્ટરને પૂર્ણ કક્ષાએ આરોગ્ય સેવા રત કરાઈ રહ્યાં છે. તે અંતર્ગત આગામી દિવસોમાં રસીકરણ માટે વેક્સિન પણ હેલ્થ સેન્ટર દ્વારા જ ખરીદી લેવામાં આવશે. જ્યારે સામાન્ય પ્રકારના લેબરોટરી ટેસ્ટિંગ માટે દર્દીને સરકારી હોસ્પિટલમાં મોકલવા ન પડે તેના માટે જરૂરી સાધન કીટ્‌સ ખરીદ કરી લઇને હેલ્થ સેન્ટરમાં ઉપલબ્ધ રખાશે. પરિણામે આ અર્બન હેલ્થ સેન્ટરોએ સિવિલ હોસ્પિટલ પર આધારિત રહેવું પડશે નહીં.

Previous articleગુરુકુળના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ઝળક્યા
Next articleચૂંટણી આવતાં જ બંન્ને પક્ષોમાં સામાન્યના ઘરે ભોજન લેવાનું શરૂ