અમદાવાદ : નવરંગપુરા અને રખિયાલમાં પ્રદૂષણ સ્તર વધ્યું

1348
guj1712017-10.jpg

દેશની રાજધાની દિલ્હી બાદ હવે અમદાવાદ શહેર હવાના પ્રદૂષણના ભરડામાં આવી ગયુ છે.બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં ગુરૂવારના રોજ એર કવોલીટી ઈન્ડેકસ ૩૧૧ સુધી પહોંચવાની સંભાવના વ્યકત કરીને શહેરીજનો માટે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી બાદ આજે સવારે સફર એપ્સ દ્વારા અમદાવાદના  વિવિધ વિસ્તારોના નોંધવામાં આવેલા એર ઈન્ડેકસ અનુસાર નવરંગપુરા અને બોપલ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણની માત્રા જોવા મળી હતી બીજી તરફ સાંજે ૬.૩૦ના સુમારે શહેરના રખીયાલ વિસ્તારમાં ૩૫૪ જેટલો એર ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.આ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી અમદાવાદ શહેરમાં ગુરૂવારના રોજ એર કવોલીટી ઈન્ડેકસ ૩૧૧ ની સપાટી ઉપર પહોંચવાની સંભાવના દર્શાવતી એડવાઈઝરી બુધવારના રોજ જારી કરવામા આવી હતી.જેમાં શહેરીજનોને ખાસ કરીને વૃધ્ધો,બાળકો તેમજ શહેરમાં શ્વસનને લગતી કે ટીબીના રોગથી પીડાતા લોકોને ઘરની બહાર ન નીકળવા સુચન કરવામા આવ્યુ હતુ.આ સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવાની સાથે બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવાનુ સુચન કરવામા આવ્યુ હતુ.અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી સતત વધી રહેલી વાહનોની સંખ્યા,બોપલ,શીલજ સહિત નવરંગપુરા જેવા વિસ્તારોમાં બાંધકામોની સાઈટની ઉડતી ધુળ,વાહનોના પ્રદૂષણની સાથે શહેરના રખીયાલ જેવા વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રદૂષણને લઈને સતત હવામા કાર્બન ડાયોકસાઈડ,નાઈટ્રોજન ઓકસાઈડ સહિતના ઝેરી રજકણોનું પ્રમાણ સતત વધવા પામ્યુ છે.તેમાં પણ બુધવારના રોજ શહેરના રખીયાલમાં એર ઈન્ડેકસ ૩૬૮,નવરંગપુરા ખાતે ૩૪૫,બોપલ ખાતે ૩૩૪ અને સેટેલાઈટ ખાતે ૨૯૮ જેટલો એર ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.અમદાવાદ શહેરના વિવિધ દસ જેટલા વિસ્તારોમાં એર કવોલીટી મોનીટરીંગ સિસ્ટમ કાર્યરત કરવામા આવી છે.જે અંતર્ગત આજે સવારે ૯ કલાકે શહેરના નવરંગપુરા વિસ્તારમાં ૩૪૫ જેટલો એર ઈન્ડેકસ સફર એપ્સ ઉપર નોંધાવા પામ્યો હતો.આ સાથે બોપલ વિસ્તારમાં ૩૨૬ જેટલો ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.સેટેલાઈટ વિસ્તારમાં ૨૮૩ એર ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.દરમિયાન સફર એપ્સ પ્રમાણે અમદાવાદ શહેરમાં સાંજે ૬.૩૦ કલાકે રખીયાલ વિસ્તારમાં સૌથી વધુ એરઈન્ડેકસ  ૩૫૪ જેટલો નોંધાવા પામ્યો હતો.