૧૩મી વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ ગાંધીનગરમાં ૧૯૨ મતદાન મથકોનો વધારો

799
gandhi19112017-6.jpg

ગાંધીનગર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી તા.૧૪ ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી રહી છે. જિલ્લામાં હાલની દ્રષ્ટીએ ૧૩૪૧ જેટલા મતદાન મથકો નોંધાયા છે ત્યારે ગત વિધાનસભાની સરખામણીએ ૧૯ર મતદાન મથકોનો વધારો થયાનું જણાઈ રહયું છે. વર્ષ ર૦૧૨માં જિલ્લામાં ૧૧૫૦ જેટલા મતદાન મથકો હતા. મતદારોની સંખ્યા વધવાની સાથે આ મતદાન મથકોમાં પણ વધારો થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહયું છે. જિલ્લામાં કુલ ૧.૭૨ લાખ મતદારો વધી ગયા છે. જેમાં સૌથી વધારે ગાંધીનગર દક્ષિણમાં વધારો જોવા મળ્યો છે. ગાંધીનગર  જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલે મતદાર નોંધણી પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે જિલ્લામાં કોઈ જ મતદારોમાં વધારો થશે નહીં. ત્યારે જિલ્લાનું ચૂંટણી તંત્ર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે કામગીરી કરી રહયું છે. ત્યારે વર્ષ ર૦૧૨ની વિધાનસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો જિલ્લામાં કુલ ૧૧પ૦ જેટલા મતદાન મથકો હતા અને ૯૯૯૩૭૫ જેટલા મતદારો નોંધાયા હતા. જેમાં પાંચ વર્ષ બાદ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં હાલ ૧૧૭૧૬૨૫ જેટલા મતદારો થઈ ગયા છે જેથી પાંચ વર્ષમાં જિલ્લામાં ૧૭૨૨૩૦ મતદારોનો ઉમેરો થયો છે. મતદારો વધવાની સાથે સાહજીકપણે મતદાન મથક પણ વધી ગયા છે. જેની ઉપર નજર કરીએ તો વર્ષ ર૦૧૨માં જિલ્લામાં ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ર૮૪ મતદાન મથક હતા જેમાં ૫૭નો ઉમેરો થતા હવે આ બેઠક ઉપર ૩૪૧ મથકો થઈ ગયા છે. આ જ પ્રકારે દહેગામ બેઠકમાં રર૦ મતદાન મથકો હતા જેમાં ૩૬નો ઉમેરો થતાં ર૫૬ મતદાન મથકો થયા છે. તો ગાંધીનગર ઉત્તર બેઠકમાં ગત ચૂંટણીમાં ર૧૬ મતદાન મથકો હતા જે ૧૯ના ઉમેરા સાથે ૨૩૫ થઈ ગયા છે. જ્યારે માણસા બેઠકમાં ગત ચૂંટણીમાં રર૬ મતદાન મથકો હતા જેમાં ૩૭નો ઉમેરો થતાં ર૬૩ મતદાન મથકો થયા છે. જ્યારે કલોલ વિધાનસભા બેઠકમાં ર૦૪ મતદાન મથકની સામે ૪૩નો ઉમેરો થતાં ર૪૭ મતદાન મથકો થઈ ગયા છે. જિલ્લાના ૧૩૪૧ મતદાન મથકોમાંથી પાંચ મતદાન મથકો સંપૂર્ણ મહિલા સંચાલિત રહેશે જેમાં સુરક્ષાકર્મીઓ પણ મહિલા રહેશે. તો પાંચ મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવશે.