ગુસ્તાખી માફ

861
smiley.jpg

મહત્વકાંક્ષા-વર્ણશંકરતાના ફળો રાજકીય પાર્ટીને હવે ચાખવા મળવા લાગ્યા 
પાર્ટીના મુળભુત સિધ્ધાંતો અને પથથી ફકત સત્તા માટે ગમે તેવા સમાધાન કરવા પડતા હોય તેવી અન્ય પાર્ટીના લોકોને અન્ય વિચારધારા કાર્ય પ્રણાલી ધરાવતા લોકોને પોતાનામાં ભેળવવા પડે તેવું કરવાની વાતને અહીં રાજકીય વર્ણશંકરતા ગણીએ તો દરેક પાર્ટીને હવે ધીરે ધીરે તેના ફળો ચાખવા મળવા લાગ્યા છે. 
પહેલા કોંગ્રેસે ભુલો કરેલી અને સત્તા માટે પહેલાં બહારથી અને પછી પોતાનામાં ભેળવી લીધી તે પૂર્ણ પણે ભળી શકવા નહીં અને ખૂબ લાંબા સંઘર્ષ બાદ ફરી એકવાર છુટા પડયા અન્ય પાર્ટીઓ તરફ વળ્યા નરહરી અમીન, શંકરસિંહ જેવા અનેક ઉદાહરણ છે જે કોંગ્રેસમાં પૂર્ણતઃ ભળી શકયા નહી. 
એવી ભુલ ભાજપે લોકસભાના ઈલેકશનથી કરી છે અને લગભગ થોડોક જ સમય થયો છે તેના ફળ ઝડપથી આવી ગયા હોય તેવું બનવા પામ્યું છે. આ વખતે કયારેય બળવા-અસંતોષ દેખાવો અને છેક રાજીનામાં સુધીનો ઘટના ક્રમ પહેલી યાદી પછી સીધો જ ભાજપમાં દેખાવા લાગ્યો છે એન તે હવે કયાં પહોંચશે તે પણ કહેવું મુશ્કેલ છે. એમાં પ્રથમ નેતાઓની મહત્વાકાંક્ષાઓ જાગી અને એકબીજાના ટાંટીયા ખેંચીને સત્તાની ખુરશી મેળવી ટકાવી રાખી તે સીલસીલો પાર્ટીમાં આગળ ચાલ્યો કેશુભાઈ પછી આનંદીબહેન તેનો ભોગ બન્યા અને હવે એવું થયું છે કે વર્ષોથી કાર્ય કરતા હોય, પક્ષમાં સિનિયર હોય તેવા લોકોનો વારો આવ્યો. આઈ. કે. જાડેજા જેવા સિનિયર નેતાને પણ સમર્થકો સાથે દેખાવો યોજવા પડે તે પાર્ટી કયાં ઉભી છે તે જોઈ શકાય છે. જેઠાભાઈ સોલંકીએ રાજીનામુ આપ્યુ હોય કે પાદરા અને ચોટીલાના કાર્યકરોનો અસંતોષ આગ ઠારવી એટલી સહેલી નથી. હારજીત માટે પાંચ-દશ હજારને ન સાચવ્યા એટલે કામ પુરુ થયું સમજો.
હાર્દિક – નેતા કરતાં હવે બિનઅનામતના તમામની વિચારધારા કામ કરવા લાગી છે
હાર્દિક એક સામાન્ય પાટીદાર નેતાએ પોતાની જ્ઞાતિ-કોમ માટે અનામત લેવા નિકળ્યો હતો. તેમાં બે પાર્ટીઓ એસપીએ અને પાસ તેમાંથી કેટલાંક છુટા પડયા જેલમાં ગયો તમામ પ્રક્રિયાએ એને નેતા બનાવ્યો નેતા બનાવવા પાછળ ભાજપ સરકારનો મોટો અને મહત્વનો ફાળો છે. તે મોટો નેતા હોય કે નહીં તે પછીની બાબત છે. પરંતુ વર્ષોથી પડેલા પ્રશ્નોને તેણે એવું ખાતર અને પાણી આપ્યું છે કે હવે તે લોકોની પોતાની વિચારધારા બનવા જઈ રહ્યો છે. તેને બ્રાહ્મણ-રાજપુતોના યુવાનો પણ પોતાની આશા તરીકે જુએ છે. કે સવર્ણોને મળશે તે એકલા પટેલોને મળવાનું નથી. પરંતુ તેમને પણ મળવાનું છે. અને આ વિચાર એ હાર્દિકની સભામાં ગયા વગર જ સમાજમાં પ્રસરવી એક જાગૃતિનું કામ હાર્દિકથી થયું છે. આજે પદ્માવતી ફિલ્મના નામે એકઠા થયેલા રાજપુત સંગઠને પણ અનામત માગવાનું ઉચ્ચારણ કરી પોતાની અંદર રહેલી માંગણીઓને વાચા આપી છે. 
બીજુ સમાન કામ- સમાન વેતન હોય કે શિક્ષણની મોંઘવારી સામાન્ય લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે હવે લોકો વિચારવા લાગ્યા છે અને તે વિચાર એક આંતરિક – સામુહિક અબોધ માનસનું શાંત આંદોલન બની રહ્યું છે. જેના પરિણામો જો આવે તો ભાજપને ઘણું ગુમાવવાનું થશે ને કોંગ્રેસને કયાંક ફાયદો જરૂર થશે. કારણ કે તે સત્તાની બહાર છે માટે….
રાજકીય પાર્ટીઓ ફરી એક વાર પ્રજાને ગુલાબી ચિત્ર-વચનોની લહાણી કરશે 
લોકશાહી એવા સૌથી મોટા દેશમાં હજી પણ રાજકીય પાર્ટીઓ પક્ષો પોત પોતાનો ટેકો જમાવી એક હવામાન બનાવી જીત મેળવવા જોવા મળે છે અને કોઈપણ શેહશરમ રાખ્યા વગર મફતમાં અપાતી ફુલ ગુલાબી એવા ચિત્રો બતાવતી વચનોની લ્હાણી કરતાં હોય છે. તેવા કોઈપણ રાજકીય પક્ષ બાકાત નથી જ.
રાજકીય પાર્ટીના ચૂંટણી ઢંઢેરા બનાવનાર ફકત માનસ-લોકમાનસ અને હાલના પ્રવર્તમાન પ્રલોભનોને યાદ રાખીને જરૂરિયાત મુજબ છેડછાડ કરીને એક મુસદ્દો તૈયાર કરતાં હોય છે. જે મુસદ્દાને જેમણે બનાવ્યો હોય તે સિવાય ભાગ્યે જ કોઈ વાંચે છે અને રાજકીય પાર્ટીના ઉમેદવારને પણ કહેવામાં આવે કે તમારો ચૂંટણી ઢંઢેરો શું છે તમે ચૂંટાઈ આવો તો પ્રજા માટે શું કરવાના વચનો આપો છો તે તેમને યાદ ન જ હોય. એવા સંજોગોમાં પ્રજા પણ નાના નાના પ્રલોભનોને લઈને પોતાનો વોટ લોકશાહીનું સૌથી મોટું હથિયાર વેડફી દેતા હોય છે અને પછી પાંચ વર્ષ માટે રાજકીય નેતાને પોતાન પર મનમાની કરવાનું લાયસન્સ આપી દેતા હોય છે. 
વિદેશોમાં લોકશાહીને સમજયા બાદ જ પોતાના મતનો પ્રયોગ તેઓ કરે છે અને તે માટે કોઈ આપણા જેવા પ્રચારની કોઈ વ્યવસ્થાઓ પણ હોતી નથી લખલુંટ- બેનંબરમાં થતા ખર્ચ પણ કરી શકતા નથી. ચૂંટણી અધિકારીઓને અપાતા ખર્ચમાં ચૂંટણી લડાતી જ નથી હોતી તે સૌ જાણે છે. અન્ય પ્રલોભનો જ કામ કરતાં હોય છે. લોકશાહી અને લોકો છેવટે પોતાનું જીવન રાજય ઘડતર કરવાનું હોય છે. 
ભાજપ માટે ર૦૧૭ કરો યા મરો નહીં તો ર૦૧૯ માં મોટો ફટકો પડશે 
ભારતીય જનતા પાર્ટીને માટે ર૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીઓ ર૦૧૯ માટે અતિ મહત્વની બની રહેવાની છે. આ ચૂંટણીઓ અને તે પણ ગુજરાતની ચૂંટણીઓને આધારે ર૦૧૯ નો જનાદેશ નકકી થવાનો છે. જેથી આ વખતે ચૂંટણીઓમાં ભાજપ માટે કરો યા મરો ની સ્થિતિ જરૂર છે. નાકનો – આબરુનો પ્રશ્ન જરૂર બની રહેવાનો છે. 
ર૦૧૯ માં લોકસભાની ચૂંટણીઓ આવવાની છે જેમાં ગુજરાતે સંપૂણ બેઠકો આપી છે. તેથી અહીં કોઈપણ જગ્યાએ કોંગ્રેસ આવે તો તેમને નુકશાન છે જ ! ઉપરાંત ગુજરાતને મોડલ સ્ટેટ બનાવી રજુ કરી બધે તેમણે માર્કેટીંગ કર્યું છે જેથી પણ ગુજરાત જાય તો મોટા અંશે દેશમાં તેના વીપરીત પડઘા પડે અને ર૦૧૯ ની ચૂંટણીઓ તેમના વળતા પાણી કરી શકે છે. તેની તૈયારી રૂપે કાશ્મીરની સત્તા, ગોવા અને અન્ય રાજયોમાં અન્ય પાર્ટીના લોકોને લઈને પણ સત્તા ટકાવી રાખી ર૦૧૯ માં ફાયદો મેળવવાનો બધો પ્લાન ચોપટ થઈ શકે છે.