મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ પશ્ચિમથી ભર્યું ફોર્મ,૧૫૦ સીટ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

650
guj21112017-11.jpg

વિધાનસભાની ચૂંટણી માટેના પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનુ કામ જોરશોરથી ચાલુ છે એ દરમિયાન આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિજયના વિશ્વાસ સાથે ૧૨.૩૯ કલાકના વિજય મુહુર્તમાં પોતાનુ નામાંકન ભર્યુ છે. જે દરમિયાન ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ અને નાણામંત્રી અરૂણ જેટલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાતના ગગનભેદી નારા લાગ્યા હતા. આજે ઉમેદવારીપત્ર ભરતા પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનેક ધાર્મિક સંસ્થાઓના ગુરૂઓ, ધર્મગુરૂઓ, સંતો-મહંતોના ’વિજયશ્રી’ના આશીર્વાદ લીધા હતા એટલુ જ નહી બહુમાળી ભવન ખાતે જંગી જાહેરસભાને સંબોધન પણ કર્યુ હતુ. આજે સવારે તેઓએ આજીડેમ ખાતે નર્મદા નીરના વધામણા પણ કર્યા હતા.
ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રૂપાણીએ સભા સંબોધી હતી, જ્યાં તેઓએ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હુંકાર કર્યો હતો, તો રાજકોટ આવી પહોંચેલા અરુણ જેટલીએ પણ જંગી બહુમતીએ જીતશે તેમ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ પોતાના 
સોગંદનામામાં સાત કરોડની મિલકત જાહેર કરી હતી.
રાજકોટમાં વહેલી સવારથી જ વિજય રૂપાણી જાગનાથ મંદિરે મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ તેઓએ કાર્યકરો સાથે સભા સંબોધી હતી, વિજયભાઇએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ત્રણ લોકો જ તેમને ચૂંટણી જીતાડશે, આ વખતે આપણે કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાની છે, તેઓએ કહ્યું કે આ વખતે આપણે ૧૫૦ પ્લસથી ભાજપનો વિજય થશે. તો અરુણ જેટલીએ પણ પાર્ટીના લક્ષ્ય સિદ્ધ કરવાની અપીલ કરી હતી.

Previous articleપાસ-કોંગ્રેસની સીટોની સોદાબાજીઃ ૪૦ સીટોની ’ડીલ’ કેન્સલ થતાં ભડકોૃ
Next articleબોગસ ઉમેદવાર યાદી ફરતી કરવાના મામલે ફરિયાદ થઇ