બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદજીનો પાર્થીવદેહ ઋષિકેશ લઈ જવાયો

731
bvn24112017-10.jpg

ભાવનગર સહિત સમગ્ર દેશમાં ગરીબ દર્દીઓ માટે સેવાની સુવાસ ફેલાવનાર સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ  ગઈકાલે ઉમરાળાના ટીંબી ગામે હોસ્પિટલમાં બ્રહ્મલીન થયા હતા. તેમના નશ્વર દેહને આજે ભાવનગર એરપોર્ટથી ઋષિકેશ લઈ જવામાં આવેલ જ્યાં સ્વામીની ઈચ્છા મુજબ પવિત્ર ગંગાજીમાં જળસમાધી આપવામાં આવશે.
સંસારના તમામ સુખો-સગવડો ને ત્યજીને માત્ર માનવ સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરનાર સંતો-મહંતો ની ભૂમિ એટલે સૌરાષ્ટ્રની ભૂમિ, આ ભૂમિ પર અનેક સંતો થઈ ગયા કે જેમને દુખિયા-બીમાર લોકોની સેવા માટે જીવન અર્પી દીધા હોય, આવા જ એક મહાન સંત સ્વામી નિર્દોષાનંદજી કે જેમણે તેમનું સમગ્ર જીવન ગરીબ દર્દીઓની સેવામાં સમર્પિત કરી દીધું હતું, ભાવનગર નજીકના તરસમીયા ગામે એક ખેડૂત સામાન્ય પરિવારમાં જન્મેલા એવા નાનજીભાઈ કે જેમને બાળપણ થી જ જીવ સેવા વરેલી હોય તેમ તેઓ વાડીએ કામ કરવા જતા ત્યારે પણ જીવ હિંસા ના થાય તેનું ધ્યાન રાખતા હતા, ખેતરમાં પાક ખાઈ રહેલ પશુ પંખીને પણ તેઓ ઉડતા કે ભગાડતા નહિ, સોળ વર્ષ ની નાની વયે તેમને જીવનમાંથી સંસાર ના સુખોનો ત્યાગ કર્યો ને દીક્ષા મેળવવા માટે તેઓ ગુરુ જગદીશાનંદ પાસે ગયા અને તેમની આજ્ઞા અનુસાર તમામ સુખો નો ત્યાગ કરી વર્ષો રહ્યા બાદમાં તેમને ગુરુએ દીક્ષા આપી અને કાશી યુનિવર્સીટીમાં ૧૨ વર્ષ વેદો પર ભણ્યા, તેઓ કાશી થી અભ્યાસ પૂર્ણ કરી અને ગામડે ગામડે ફરી લોકો ને વ્યસન મુકિત અને ગરીબ દર્દીઓની સેવાની જ્યોત જલાવી. તેઓ જીવનભર ક્યારેય રૂપિયા ને અડ્યા નથી કે  કોઈ પણ ના ઘરે ઉતારો કર્યો નથી, કોઈ પણ ગામમાં તેઓ જતા તો ગામની બહાર જ ઉતારો કરતા હતા.
સ્વામીજી એ તેમની સેવાની જ્યોતરૂપે ટીંબી ગામે ૨૦૧૧ માં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારામાં સારી સારવાર મળી રહે તે માટે સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું.આ હોસ્પિટલમાં છ વર્ષના સમયગાળા માં ૧ લાખ કરતા વધુ દર્દીઓ સારવાર મેળવી ચુક્યા છે, આહી નાના થી મોટા તમામ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે, રહેવા જમવાની સગવડતો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ સાવરકુંડલા તેમના આશ્રમે રહેતા હતા પરંતુ આંઠ દિવસ પહેલા જ તેઓએ સેવકો ને કહી અને ટીંબી આવ્યા હતા જ્યાં તેઓ એ અગાઉ જ તેમના દેહ ત્યાગના અણસાર આપી દીધા હોય તેમ ગઈકાલે ભક્તોને બોલાવી અને કહ્યું હતું કે જો તેઓ એહ ત્યાગ કરે તો ર્તેમના દેહને ઋષિકેશ ગંગાજીમાં જળસમાધી આપવી, આં ઘટના ને કલાકો બાદ જ સ્વામીજીએ એ દેહ ત્યાગ કર્યો હતો, તેઓ બ્રમ્હલીન થયા ના સમાચારો મળતાજ મોટી સંખ્યામાં સેવકો તેમના નશ્વર દેહના દર્શનાર્થે ટીંબી ગામે આવી પહોચ્યા હતા, તેમના નશ્વર દેહને ટીંબી હોસ્પિટલ ખાતે ભકતોના દર્શનાર્થે મુકવામાં હતો જ્યારે આજે જેમના નશ્વર દેહને ઋષિકેશ ગંગાજીમાં જળસમાધી આપવા માટે લઈ જવા માટે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.સ્વામીજીના નશ્વર દેહને એરપોર્ટ લાવવાના છે તે અંગે સેવક સમુદાય ને જાણ થતા મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના સેવકો શ્વામીજીના અંતિમ દર્શન માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોચ્યા હતા, ભાવનગર એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા સેવક સમુદાયે સ્વામીજીને અશ્રુભીની વિદાય આપી હતી.

Previous articleલગ્નના દિવસે જ બીએડ્‌ની પરીક્ષા આપતી કોળી સમાજની દિકરી
Next articleનહીવત આવક અને પ્રબળ માંગના કારણે ડુંગળીના ભાવ ઉચકાયા