હવે રાજ્યમાં વિકસશે ઇલેક્શન ટૂરિઝમ, ચૂંટણી જોવા વિદેશીઓને અપાશે આમંત્રણ

725
guj24112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિદેશીઓ માટે ટૂરિઝમ સ્થળ સાબિત થવા લાગ્યું છે. ગુજરાતના ટ્રાવેલ્સ એજન્ટો દેશ અને વિદેશના નાગરિકોને ગુજરાતની ચૂંટણીનો અભ્યાસ કરવા માટે ટૂરિઝમ પેકેજ આપી રહ્યાં છે. ચૂંટણી સાથે જોડાયેલા સ્થળોને પેકેજમાં આવરી લેવામાં આવી રહ્યાં છે. હાલમાં વિદેશી પ્રવાસીઓમાં લંડનના ૨૫ લોકોના ગ્રૂપે બુકિંગ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેઓ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે આવશે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારની મુલાકાત લેશે. આ સિવાય આફ્રિકા સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ તો સત્તાવાર રીતે ચૂંટણીની વ્યવસ્થા સહિત અન્ય પ્રકારની વ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે આવે છે. અમુક  કિસ્સાઓમાં તો ખાસ ચૂંટણીપંચ પણ કેટલાક દેશોના પ્રતિનિધિઓને અભ્યાસ માટે તેડાવે છે.
દુનિયાના વિવિધ દેશના વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતની ચૂંટણી એક જુદા પ્રકારની ઈવેન્ટ તરીકે જોઇ રહ્યાં છે. ખાસ કરીને ઈલેક્શન ટૂર પેકેજમાં પ્રધાનમંત્રીનું જન્મ સ્થળ વડનગર, મુખ્યમંત્રી વિજય રૃપાણીનો મત વિસ્તાર રાજકોટ, મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર સહિતના સ્થળોની મુલાકાત કરાવવામાં આવતી હોય છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચાર સંદર્ભે થતા રોડ-શો, જાહેરસભાઓ તેમજ સ્થાનિક રાજકીય નેતાઓ સાથે ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વની રહેલી બેઠકોની મુલાકાત લેવાશે. ઉપરાંત જે ગામડાઓની મુલાકાતો ગોઠવવામાં આવતી હોય છે. તેમજ ગુજરાતના રાજકીય વિશ્લેષકો સાથે સંવાદ પણ કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જોડાયેલી વિવિધ બાબતોથી દેશના અને અન્ય દેશના પ્રવાસીઓને વાકેફ કરાવાતું પેકેજ ગોઠવવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી સાથે અન્ય સુવિધા સાથેના પેકેજ ગોઠવવામાં આવી રહ્યાં છે.
૨૦૧૨થી ઈલેક્શન ટૂરિઝમનો ટ્રેન્ડ શરૃ થયો
વિધાનસભા-૨૦૧૨ની ચૂંટણીથી ઈલેક્શન ટૂરિઝમનો ટ્રેન્ડ શરૃ થયો હતો અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ટ્રેન્ડ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ૧ હજારથી વધુ વિદેશી પ્રવાસીઓએ ઈલેક્શન ટૂરિઝમમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. એક ટ્રાવેલ્સ એજન્ટના જણાવ્યાં મુજબ પોલિટિકલ સાયન્સમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે લોકશાહી દેશમાં થતા ઈલેક્શનનો અભ્યાસ મહત્ત્વનો સાબિત થતો હોય છે. અને તેનો પ્રતિસાદ પણ સારા પ્રમાણમાં મળે છે.