ગુજરાત ચૂંટણી : ભારે સસ્પેન્સ વચ્ચે ભાજપ-કોંગ્રેસે અંતિમ યાદી જાહેર કરી

880
guj28112017-2.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જોરદાર રાજકીય ગરમી વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તેની ૭૬ ઉમેદવારોની ત્રીજી યાદી મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા બાદ અનેક જગ્યાએ જોરદાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ગઇ છે. કોંગ્રેસના ઉમેદવારોને ટિકિટની ફાળવણી કરવામાં આવ્યા બાદ સ્થાનિક કાર્યકરો અને લોકોએ દેખાવ કર્યા  હતા. કોંગ્રેસે આજે તેની ત્રીજી યાદી જાહેર કરી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ સ્થાનિક કાર્યકરોમાં અંસતોષનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. કોંગ્રેસે જે ઉમેદવારની યાદી જાહેર કરી છે તેમાં મોટા ભાગે કોંગ્રેસે તેના વફાદારોને પ્રાથમિકતા આપી છે. કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ લોકો નારાજગી વ્યક્ત કરવા જાહેર રસ્તા પર આવી ગયા હતા. બનાસકાઠા અને અન્ય જિલ્લામાં જોરદાર દેકાવો કરવામાં આવી રહ્યા છે. વેજલપુર, ડિસા, રાધનપુર, અકોટા, વાઘોડિયા, સહિતની વિધાનસભા બેઠક પર આજે દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ડેમેજ કન્ટ્રોલની કવાયતમાં પણ લાગી ગયા છે. કોંગ્રેસની ત્રીજી યાદીમાં જે લોકોને ટિકિટ આપવામાં આવી નથી તે લોકોના સ્થાનિક સમર્થકોએ દેખાવો કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે છોટા ઉદયપુરમાંથી મોહનસિંહ રાઠવા, બોલસદમાંથી રાજેન્દ્ર પરમાર, દહેગામમાંથી કામીની બા, ધાનેરામાંથી જોઇતા પટેલને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ વેજલપુરમાંથી મિહિર શાહને, ઘાટલોડિયામાંથી શશીકાંત વી પટેલને અને મણિનગરમાંથી સ્વેતા  બ્રહ્યભટ્ટને ટિકિટ આપી છે. નિકોલમાંથી ઇન્દ્રવિજયસિંહને ટિકિટ ફાળવવામાં આવી છે. નારાણપુરામાંથી નિતિન કે પટેલને, એલિસબ્રિજમાંથી વિજયદવેને ટિકિટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નરોડામાંથી ઓમપ્રકાશ ડી તિવારીને ટિકિટ આપવામાં આવી છે. આવી જ રીતે દરિયાપુરમાંથી ગ્યાસુદ્ધીન શેખને ટિકિટ આપવામાં આવી છે.
દાણિલીમડા એસસી સીટ પરથી કોંગ્રેસે શેલેશ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ વ્યાપક વિચારણા કર્યા બાદ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કેટલાક વિસ્તારોમાં ફેલાયેલા રોષને શાંત કરવાના પ્રયાસ ટોપ સ્તરે હાથ ધરાયા છે

 ભાજપની ૩૪ ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર થઇ

ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી હતી. આની સાથે જ ભાજપે ૧૮૨ વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારબાદ કલાકોમાં જ ભાજપે પોતાની છઠ્ઠી યાદી જાહેર કરી દીધી હતી. ભાજપે રાધનપુરમાંથી લવિંગજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. સિદ્ધપુરમાંથી જયનારાયણ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે જ્યારે બેચરાજી રજનીભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર શંભુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગર ઉત્તરમાં અશોકભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ શહેરની જુદી જુદી સીટો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. મણિનગરમાં સુરેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. દાણીલીમડા એસસી બેઠક ઉપર જીતુભાઈ વાઘેલાને ટિકિટ ફાળવવામાં આવી છે. સાબરમતીમાં અરવિંદભાઈ પટેલ અને અસારવા એસસી બેઠક પર પ્રદિપભાઈ પરમારને ટિકિટ ફાળવવામાં આવી છે. આવી જ રીતે નારણપુરામાં કૌશિક પટેલ, વેજલપુરમાં કિશોરભાઈ ચૌહાણ, ઘાટલોડિયામાં ભુપેન્દ્રભાઈ પટેલ અને દરિયાપુરમાંથી ભરતભાઈ બારોટને ટિકિટ ફાળવવામાં આવી છે. વિરામગામમાં તેજશ્રીબેન પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કપડવંજમાં કનુભાઈ ડાભીને ટિકિટ આપવામાં આવતા કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી હતી. ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિ દ્વારા આજે ઉમેદવારોની યાદી અંગે નિર્ણય કરવામાં આવ્યા બાદ યાદી જાહેર કરવામાં આવી હતી. યાદીને લઇને સસ્પેન્સનો હવે અંત થયો છે.

Previous article નિર્દોષાનંદજી સરસ્વતીની પરંપરા માટે અનુયાયી શિષ્યોની દિક્ષાવિધિ સંપન્ન
Next article PM મોદીએ મા આશાપુરાના દર્શન કર્યા…