અલંગ શિપબ્રેકિંગ યાર્ડને પ્રાણવાયુ પુરો પાડવામાં સરકાર નિષ્ફળ

887
bvn29112017-2.jpg

ભાવનગરના અર્થતંત્ર માટે વર્ષોથી કમાઉ દિકરા સમાન અલંગ શિપબ્રેકિંગ યાર્ડ હાલ અનેક મુશ્કેલીઓ વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા માટે મરણીયો જંગ ખેલી રહ્યું છે. સરકારની ઉદાસીનતા અને હરિફ દેશોની મેલી મુરાદથી મહામુલો ઉદ્યોગ ભૂતકાળ બને તેવી સ્થિતિનું સર્જન થયું છે.
સમગ્ર એશિયામાં સૌથી મોટો અને વિશ્વસ્તરે છેલ્લા ૩૮ વર્ષથી નામ ગુંજે છે. એવા ભાવનગર નજીકના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ રાજ્ય-કેન્દ્ર સરકારની ઘોર ઉદાસીનતા અને હરિફ દેશો દ્વારા કરવામાં આવી રહેલ સિધ્ધિ જ સ્પર્ધાના કારણે આગામી સમયમાં ભૂતકાળ બને તેવી વિપરીત સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા ૩ર વર્ષથી શિપબ્રેકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા અને ત્રણ દાયકામાં અનેક ઉતાર-ચઢાવના સાક્ષી બનેલા એક અગ્રણી શિપબ્રેકરે જણાવેલ વિગતો અનુસાર આ ઉદ્યોગમાં એકાદ દસકાથી રાજકારણનો પગપેસારો થયો છે. સામાન્યતઃ કોઈપણ વ્યવાસયી એકમમાં રાજકિય બાબતો પ્રવેશ કરે ત્યારે જે તે ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાવા લાગે છે. આ ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન જેવા દુશ્મન અને હરિફ દેશો દ્વારા એશિયાના સૌથી મોટા ઉદ્યોગને અલંગ પાસેથી આંચકી લેવા માટે ચોક્કસ પ્રકારની વ્યુહરચના તૈયાર કરી ભંગાર વાડે જઈ રહેલ શીપના માલિકોને આકર્ષવા અનેક પ્રયાસો તેજ કર્યા છે.
સરકાર દ્વારા આ ઉદ્યોગને આટલા વર્ષોમાં પ્રોત્સાહિત કરવા અગર ટકાવી રાખવા માટે કોઈ ખાસ પગલા લીધા નથી. અલંગ શિપબ્રેકિંગ દેશના અગ્રહરોળના ઉદ્યોગોમાં સ્થાન પ્રાપ્ત છે. આ ઉદ્યોગ દેશને વર્ષ દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપે છે છતાં પ્રોત્સાહન આપવાના બદલે અનેક વેરા સાથે વણજ ક્ષેત્રની આકરી નીતિ-નિયમો લાદયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા જે કામગીરી દર્શાવી છે એ માત્ર કાગળ પર જ દર્શાવી છે. કેન્દ્ર સરકારે આ ઉદ્યોગને ડેવલોપ કરવા માટે અતિ વિકસીત એવા જાપાન દેશની મદદ લીધી હોવાની જાહેરાત કરી છે પરંતુ એ માત્ર જાહેરાત જ છે. અલંગને મહત્વપૂર્ણ દરજ્જો પ્રાપ્ત છતાં સરકારે કોઈ રાહત આપી નથી. આ વાત તો દેશની છે પરંતુ વિશ્વ ક્ષેત્રે પર્યાવરણ તથા માનવો માટે કાર્ય કરતી કેટલીક સંસ્થાઓ દ્વારા ખોટી કનડગત કરવામાં આવી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઈનામાં આ ઉદ્યોગ સારી રીતે વિકાસ પામે તે માટે સરકારે અસરકારક પગલાઓ સાથે સ્ક્રેપ શીપના માલિકો માટે અનેક આકર્ષક યોજનાઓ જાહેર કરી છે. ઘર આંગણે નવો ઉદ્યોગ વધુ ઝડપે અને સારી રીતે ડેવલોપ થાય તે માટે ત્રણેય દેશોએ કર માફીની જાહેરાત પણ કરી છે. સરકાર દ્વારા સતત કરવામાં આવી રહેલ અવગણના અને તકલીફોને લઈને વર્ષોથી અલંગ સાથે જોડાયેલા વેપારીઓ પણ અન્યત્ર ડાયવર્ટ થઈ રહ્યાં છે. આ અંગે સરકાર સત્વરે પગલા લે તે ખુબ જરૂરી હોય તેવું વેપારીએ જણાવ્યું હતું.

ભાંગવા આવતા જહાજોની સંખ્યામાં ભારે ઘટાડો
અલંગ સ્થિત જી.એમ.બી.ના અધિકારીના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૧૬-૧૭ના વર્ષમાં અલંગ ભંગાવા આવતા શીપની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના અનેક કારણો છે જે પૈકી એક ચાઈના, બાંગ્લાદેશમાં સ્ક્રેપ શીપની વેચાણ કિંમતમાં મળી રહેલ વધારો ઝડપી અને સરળ વેચાણ પ્રોસેસ સહિતની બાબતો સામેલ છે. નવેમ્બર માસમાં અત્યાર સુધી કુલ ૬ શીપ ભાંગવા માટે આવ્યા છે. જેમાં નાના કદના કાર્ગો શીપ મુખ્ય છે અને ત્રણ જેટલા શીપ રાજ્યની જળસીમામાં પ્રવેશી ચુક્યા છે. જે ૧ ડિસેમ્બર સુધીમાં અલંગ પહોંચે તેવી શક્યતા રહેલી છે.
– એમ.બી. ગોસ્વામી, અધિકારી, જીએમબી, અલંગ