રાજકોટમાં મંજુરી વિના સભા યોજતા હાર્દિક પટેલ વિરૂધ્ધ ચૂંટણી અધિકારીએ કરેલી ફરિયાદ

667
guj2122017-5.jpg

રાજકોટમાં તાજેતરમાં પાસ  કન્વીનર હાર્દિક પટેલ દ્વારા યોજવામાં આવેલી સભા વહીવટી તંત્રની મંજૂરી વિના યોજવામાં આવી હોવાની ફરિયાદ ચૂંટણીપંચના અધિકારી દ્વારા નોંધાવામાં આવી છે. હાર્દિક પટેલ તથા તુષાર નંદાણીની વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. ૬૯- વિધાનસભાની ચૂંટણી અધિકારીએ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યા અનુસાર વોર્ડ નં.૮-૯-૧૦ માં સ્નેહમિલન રાખવા અંતર્ગત અરજી કરાઈ હતી પરંતુ અરજીથી વિપરીત મહાક્રાંતિના બેનર હેઠળ મહા સંમેલન યોજવામાં આવ્યુ હતું. આમ મંજૂરી વિના જાહેરસભા યોજવામાં આવતા ચૂંટણી અધિકારીએ જાહેરનામા ભંગની ફરિયાદ હાર્દિક પટેલ તથા તુષાર નંદાણીની વિરૂધ્ધ કરી છે 
કોંગી અગ્રણી તુષાર નંદાણીએ વોર્ડ નં. ૮-૯-૧૦ માં દિવાળી પછી સ્નેહમિલન યોજવા માટે અરજી કરી હતી. પરંતુ અરજીની વિરૂધ્ધ સભા યોજાતા ચૂંટણી અધિકારી પી.આર.જાનીએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક તથા તુષાર નંદાણીના વિરૂધ્ધમાં ફરિયાદ નોંધાવી છે.  દરમિયાનમાં 
હાર્દિકની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ રાજકોટ ખાતે હાર્દિક પટેલે વિશાળ જાહેરસભાને સંબોધી હતી. રાજકોટમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડી રહયા  છે ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે. તેવા સંજોગોમાં હાર્દિકની સભાએ ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. દરમિયાનમાં હાર્દિકની સભાને લઈને વિવાદ ઉભો થયો છે. ચૂંટણી અધિકારી જાહેરનામાનો ભંગ થયો હોવાની ફરિયાદ કરતા ફરીથી રાજકારણ ગરમાશે પોલીસ હાર્દિક તથા તુષાર નંદાણીની વિરૂધ્ધ કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
હાર્દિક પટેલ સામે અગાઉ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુના હેઠળ તેની ધરપકડ પણ કરાઈ હતી સાથે સાથે તેના સાથીદારો સામે પણ કાર્યવાહી કરાઈ હતી. હાઈકોર્ટે તેને શરતી જામીન આપ્યા છે ત્યારે બીજીબાજુ વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ હોવાથી ફરી એકવાર પાટીદાર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને  હવે હાર્દિક પટેલ ખુલ્લેઆમ પાટીદાર મતદારોનું વર્ચસ્વ ધરાવતી   બેઠકો પર ભાજપ વિરોધી પ્રચાર કરી રહ્યા છે. રાજકોટમાં   યોજાયેલી જાહેરસભા તે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીએ દિવાળી  નિમીત્તે સ્નેહ મિલન સમારંભ  યોજવાના બહાના હેઠળ વિશાળ  સભા યોજી હતી અને આ અંગે ચુંટણીપંચ પણ સતર્ક બન્યું હતું. બે દિવસ પહેલા ગાંધીનગર ખાતે યોજાયેલી ચુંટણીપંચની પત્રકાર પરિષદમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે હાર્દિક ભડકાઉ ભાષણ કરશે અને આચારસંહિતાનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્પષ્ટ નિર્દેશ છતાં હાર્દિક  પટેલે કોંગ્રેસના અગ્રણીની સાથે  રહી મંજુરી વગર જાહેરસભા યોજતા  હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂંટણી પંચના અધિકારીએ  નોંધાવેલી  ફરિયાદના  આધારે સ્થાનિક પોલીસે હાર્દિક  પટેલ તથા કોંગ્રેસ અગ્રણી વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે