ઘરના આંગણામાં રમતા બાળકને ટ્રેક્ટર ટક્કર મારીને નીકળી ગયું

895
gandhi4122017-2.jpg

પાલનપુર તાલુકાના ચિત્રાસણીમાં ઘરની આગળ રમતા બાળકને રસ્તેથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે ટક્કર મારી કચડી નાંખતા પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બાળકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના પરીવારજનોએ રોકકળ કરી મુકતા શોકનો માહોલ સર્જાયો હતો.
ઉપરોક્ત બનાવ અંગે મૃતક બાળકના સગાઓના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે રહેતા કાનજીભાઈ પટણીનો ૧૦ વર્ષીય બાળક કલ્લુભાઈ ઘરના આંગણામાં રમતો હતો અને રમતા-રમતા ઘરની આગળ રોડ નજીક પહોંચી જતા રસ્તેથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે બાળકને ટક્કર મારી ઉછાળતા બાળકને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતુ. 
બનાવને પગલે આસપાસ માંથી લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મૃત બાળકના પરીવાર જનોએ રોકકળ કરી મુકી હતી. દરમ્યાન બાળકના સગાઓ દ્વારા તેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં પી.એમ.ની તજવીજ હાથ ધરાઈ હતી અને પાલનપુર તાલુકા પોલીસ પણ સિવિલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં સગાઓએ પણ રોકકળ કરતા સિવિલ પરીસરમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ટ્રેક્ટરના ચાલક સામે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. આમ, ચિત્રાસણીમાં ઘરના આગળ રમતા બાળકને ટ્રેક્ટર ચાલકે કચડતા મોત નિપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

Previous articleરાધનપુર પાસેથી નદીના કાંઠે કરાયેલું ગાંજાનું વાવેતર પકડાયું
Next articleબ્રહ્માકુમારીઝ સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાયુ