નેતાઓની સભા કરતા ઉમેદવારની રાત્રિ ભોજન પાર્ટીમાં ઉમટી રહેલી જનમેદની

849
bvn4122017-3.jpg

આગામી તા.૯ તથા ૧૪ના રોજ ધારાસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. નતનવા મુરતીયા મેદાને આવ્યા છે. જેમાં જ્ઞાતિલોબીંગ શરૂ કરી કાયદેસર જ્ઞાતિવાદ આ ચૂંટણીમાં લાવી રહ્યાં છે. જેમાં જ્ઞાતિ આગેવાનોના નામે રાજકિય સ્નેહમિલનો-મસમોટા ભોજન સમારંભો યોજાય છે ત્યારે આ અંગે તપાસ થવી જરૂરી બની છે કે આ ખર્ચ કોનો ?
સિહોરમાં રાજકિય પાર્ટીઓના રાત્રિના ભોજન સમારંભમાં સભા કરતા પણ વધુ ભીડ જોવા મળે છે. ચૂંટણી સંદર્ભે લડતા ઉમેદવારોની ભજીયા પાર્ટી જ્ઞાતિવાઈઝ થઈ રહી છે ત્યારે અમુકમાં વિરોધ જોવા મળી રહ્યો છે પરંતુ અંદર ડોકીયુ કરતા છુપી રીતે જ્ઞાતિવાદનું દુષણ જોવા મળે છે. જ્ઞાતિવાદના દુષણને લીધે જ્ઞાતિમાં સમાજમાં ભાગલા પડી રહ્યાં છે. જે-તે જ્ઞાતિભોજન રાખી ઉમેદવારો એવું સાબીત કરી રહ્યાં છે કે આ જ્ઞાતિઓ અમારી સાથે છે આવું કેટલી હદે વ્યાજબી ? પણ મતદારો પણ મૌન સેવી રહ્યાં છે. ૯ ડિસેમ્બરે ૧૦૩ વિધાનસભાના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થશે પરંતુ આ ભર્યુ નારીયેલ ફુટશે ત્યારે જ ખબર પડશે કે ક્યા ઉમેદવારે બાજી મારી કયા ઉમેદવારને લોકોએ સ્વીકાર્યો. મતદારોના અકળ મૌન વચ્ચે રાજકિય જ્ઞાતિ મેળાવડા થઈ રહ્યાં છે ત્યારે એક જ જ્ઞાતિના સામસામા બે મુરતીયા વચ્ચે ફાઈટ ચાલી રહી છે. ચૂંટણી પંચની આંખમાં પાટા બાંધી આ ખર્ચાઓ થઈ રહ્યાં છે તે યેનકેન પ્રકારે ઉમેદવાર જ ખર્ચ કરી રહ્યાં છે. હવે દરેક જ્ઞાતિએ એક થવાનો સમય પાકી ગયો છે. કોઈ રાજકિય ઉપયોગ ન કરી જાય તેવી તકેદારી રાખવી જરૂરી બની છે ત્યારે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ઉભુ ન થાય તેવી વહિવટી તંત્ર તકેદારી રાખે તેવી પણ માંગ જોવા મળી રહી છે.
હૈસો હૈસો કરી ઉમેદવારોની સાથે રહેનારાની સામે મતદારો પણ આવા તક સાધુને ઓળખી ગયા છે ત્યારે મૌન સેવતા મતદારો નિરસ હોય તેવું સ્પષ્ટ જણાય રહ્યું છે ત્યારે પાર્ટીઓ દ્વારા મતદારોને કેવી રીતે પોતાની તરફ આકર્ષવા તેવી ગોઠવણ ચાલી રહી છે. પરંતુ આ વખતે કોઈ નવું થવાના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. ચૂંટણીપંચની ઝપટે ન ચડી જવાય માટે ઉમેદવારો પોતાની ચતુરાઈથી નતનવી તરકીબો શોધી રહ્યાં છે. જેમાં દરેક જ્ઞાતિ અલગ-અલગ જગ્યાએ નોતરા પાઠવી ભોજન કરાવી તૃપ્ત કરવામાં આવી રહ્યાં છે પણ લાગે છે જેનું ખાઈએ તેનું ખોદાઈ નહીં. તે કહેવતને ધ્યાને લેનારા ઉમેદવારોને ભલે ભોજનથી તૃપ્ત કરાવ્યા પણ મત નામની પાશેરીથી ફટકારે તેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે પાટલી બદલુ પણ ખુન જોવા મળી રહ્યાં છે. સવારે ૧ પાર્ટીનો ખેસ ત્યારે સાંજે બીજી પાર્ટીનો ખેસ મનામણા રીસામણા જ જોવા મળી રહ્યાં છે ત્યારે બીજી બાજુ જાણવા મળ્યું છે કે આ ભોજન સમારંભના ખર્ચને ઉમેદવારના ખર્ચમાં બતાવશે કે બારોબાર કાર્યકર્તા અથવા ઉદ્યોગપતિઓ પાસે બીલ પહોંચાડવામાં આવશે ?
આ અંગે ચૂંટણી પંચ બાજનજર રાખી હિસાબોની જીણવટભરી તપાસ કરે તો કેટલાકએ મર્યાદા બહાર ખર્ચ કર્યો તે બહાર આવે. બીજી બાજુ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો સહિતનાનો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે કાર્યકરોના ઉત્સાહમાં ખુબ વધારો જોવા મળ્યો છે ત્યારે મતદારનો નીરઉત્સાહ જોઈ અમુક ચિંતાજનક સ્થિતિમાં મુકાયા છે. ખેર હવે ૧૮ તારીખે જ ખબર પડશે કે મતદારોના આક્રમક મૂડે કોને સ્વીકાર્યા.