ચોગઠ પાસે અકસ્માત : ૨ના મોત, ૭ ઘવાયા

1096
bvn4122017-7.jpg

ભાવનગર-વલ્લભીપુર હાઈવે રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે ટ્રક અને મેજીક રીક્ષા વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં કોળી પરિવારના બે સગ્ગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે છ વ્યક્તિઓને નાની-મોટી ઈજા સાથે સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ કલ્યાણનગરમાં રહેતા અને પાન-માવાનો ગલ્લો ધરાવતા કોળી મુકેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા ઉ.વ.૩પ તથા તેમનો પરિવાર આજરોજ સવારના સમયે ફુલસર કર્મચારીનગરમાં રહેતા દિગ્વિજયસિંહ હરદેવસિંહ ગોહિલનું મેજીક વાન નં.જીજે૪ઝેડ ૦૪૪ર ભાડે કરીને ઉમરાળા પાસે આવેલ રાંદલના દડવા ખાતે માનતા ઉતરવા જઈ રહ્યાં હતા તે વેળાએ ચોગઠ ગામ નજીક આવેલ અને અકસ્માતો માટે કુખ્યાત બનેલા એવા ચોગઠના ઢાળ પાસે વલ્લભીપુર તરફથી રેતી ભરીને ભાવનગર તરફ આવી રહેલ ટ્રક નં.જીજે૪એક્સ પ૧ર૬ નંબરના ટ્રકનું અચાનક ટાયર ફાટતા ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા આ ટ્રકનો મેજીક સાથે અકસ્માત થયો હતો અને મેજીક રોડસાઈડમાં પલ્ટી ખાઈ જતાં એક જ પરિવારના સભ્યોને ઈજાઓ થવા પામી હતી. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મુકેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા તથા તેમના બહેન આશાબેન ભરતભાઈ ડાભીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈના પિતા ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, મેજીક ચાલક દિગ્વિજયસિંહ હરદેવસિંહ ગોહિલ, મુકેશભાઈના બનેવી ભરતભાઈ અણદુભાઈ સોલંકી, મુકેશભાઈના પત્ની કંચનબેન મુકેશભાઈ મકવાણા, મુકેશભાઈનો નાનોભાઈ સંજય ઘનશ્યામભાઈ મકવાણા તથા બહેન નયનાબેન ભરતભાઈ સોલંકી અને મુકેશભાઈની છ વર્ષિય પુત્રી રાધીકાને નાની-મોટી ઈજા સાથે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ બનાવમાં મુકેશભાઈ તથા તેમના બહેન આશાબેનના મૃતદેહનું ઉમરાળા સીએચસી ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. કોળી પરિવાર પર એકાએક આવી પડેલ વિપદાના કારણે સમાજમાં ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. સમગ્ર બનાવની જાણ કોળી સમાજને થતાં અનેક નવયુવાનો તથા સમાજના અગ્રણીઓ હોસ્પિટલ તથા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિવારને સાંત્વના આપવા સાથે મદદરૂપ થયા હતા. આ અંગે ઉમરાળા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પીએસઆઈ કરપડાએ તપાસ હાથ ધરી છે. 

Previous articleનેતાઓની સભા કરતા ઉમેદવારની રાત્રિ ભોજન પાર્ટીમાં ઉમટી રહેલી જનમેદની
Next articleઘોઘા રોડ પરના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયા