હાર્દિક પટેલના રોડ શોમાં જનમેદનીથી ચિંતાનું મોજુ

791
guj4122017-10.jpg

પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અને મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે આજે સુરતમાં પાટીદારોના ગઢ સમા વિસ્તારમાં વિશાળ જાહેરસભા યોજી હતી, જેમાં પ્રચંડ જનમેદની ઉમટતા અને ખૂબ  મોટી સંખ્યામાં યુવાનો જોડાતાં ચૂંટણી પહેલા રાજકીય દ્રષ્ટિકોણથી પણ હાર્દિકની સભામાં આટલા વિશાળ જનસમુદાયની હાજરીની જોરદાર નોંધ લેવાઇ છે. સુરતમાં વિશાળ રોડ-શો અને જાહેરસભામાં હાર્દિક પટેલે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતાની જીત થશે અને સત્તા પરિવર્તન થશે. તેણે ભાજપનો અંહકાર-ઘમંડ ઉતારી તેને સત્તામાંથી જાકારો આપવા વિશાળ જનસમુદાયને જાહેર અપીલ કરી હતી. પાસના યુવા નેતા હાર્દિક પટેલના સુરતમાં ભવ્ય રોડ શો અને જાહેરસભાને પગલે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર પણ હાર્દિકની સભા અને રોડ શોમાં આટલી પબ્લીકને ઉમટેલી જોઇને ચોંકી ઉઠયું હતું. કતાર ગામ હાથી મંદિરથી શરૂ થયેલી હાર્દિક પટેલની જનક્રાંતિ મહારેલીમાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો-યુવાનો જોડાયા હતા. રેલીમાં જય સરદાર, જય પાટીદારના નારા ગુંજી ઉઠયા હતા. તો સાથે સાથે ભાજપની વિરૂધ્ધમાં સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે ના જોરદાર નારાઓ લાગ્યા હતા. હાર્દિક પટેલનું રોડ-શો દરમ્યાન ઠેર-ઠેર દરેક વિસ્તારમાં માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ તો, સ્થાનિક પાટીદારોએ ફટાકડા ફોડી ઉજવણી હતી. વિશાળ જનમેદનીને સંબોધતાં હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે લોકોમાં એક પ્રકારનો આંતરિક આક્રોશ છે, તેને અધિકારો અને પોતાના હક્કો જોઇએ છે. ખેડૂતોને તેમના હક્ક અને અધિકારોથી વંચિત રખાઇ રહ્યા છીએ. ભાજપને જાકારો આપવાની અપીલ કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતાની જીત થશે અને સત્તા પરિવર્તન થશે તે નક્કી છે. કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા અને રાહુલ ગાંધીના બિનહિન્દુ મુદ્દા વિશે હાર્દિકે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો, અનામત આપશે અને જરૂર આપશે. રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે અને તેમને હિન્દુ કે બિનહિન્દુ સર્ટિફિકેટ આપનાર લોકો કોણ છે? હાર્દિક પટેલે તેની જાહેરસભા દરમ્યાન પ્રચંડ માનવમહેરામણને આ વખતે સત્તા પરિવર્તન માટે મતાધિકારનો ઉપયોગ કરવા પણ આડકતરો ઇશારો કરી દીધો હતો. મોડી સાંજે હાર્દિક પટેલે યોગી ચોકમાં બીજી જાહેરસભાને સંબોધન કર્યું હતું. 

Previous articleઆરોગ્ય સેવાને એકબીજાની સાથે જોડી દેવા માટે જરૂર છે : PM
Next articleસુરતમાં વિજય રૂપાણીનો રોડ શો યોજાયો : હાર્દિક પટેલ પર પ્રહાર