ગુજરાત કોંગ્રેસમાં નારાજગી બાદ હવે તોળાઈ રહેલાં મોટા ફેરફાર

1478

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં દિગ્ગજ અને યુવા નેતાઓ વચ્ચે નારાજગી ચાલી રહી છે. પ્રદેશ કોંગ્રેસમાં નારાજગી બાદ હવે મોટા ફેરફાર થશે. નેતાઓની નારાજગીને લઈને સંગઠનમાં ફેરફાર થશે તેવું લાગી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં હાઈકમાન્ડ દ્વારા બદલાવ કરવામાં આવશે. હાઈકમાન્ડ દ્વારા સંગઠનમાં સક્રિય ન રહેતા હોદ્દેદારોની છુટ્ટી કરાશે. પ્રોજેક્ટના ટાર્ગેટ પૂર્ણ ન કરનારના પણ પત્તા કપાઈ શકે છે.

જનમિત્ર, શક્તિ પ્રોજેક્ટના ટાર્ગેટ પૂર્ણ ન કરનારનાં પત્તા કપાશે. સાથે જ પરિણામલક્ષી કામ નહીં કરનાર નેતાઓની પણ છુટ્ટી કરાશે. હાઈકમાન્ડ દ્વારા સંગઠનના ૧૦ ટકા હોદ્દેદારોને બદલવાનો તખ્તો તૈયાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા  સંગઠનની નિમણૂક સમયે હોદ્દેદારોને સૂચના પણ અપાઈ હતી.

સંગઠનમાં જવાબદારી અદા ન કરનાર સામે પગલા લેવાની પણ સૂચના અપાઈ હતી. સંગઠનમાં યોગ્ય વ્યક્તિઓનો સમાવેશ ન થયા હોવાની ફરિયાદ કરાઈ હતી. હાલ પ્રદેશ કોંગ્રેસમાં ૩૯૨ હોદ્દેદારોનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને ૮ સભ્યોની એક હાઇપાવર કમિટીની રચના કરી છે. ત્યારે તેને ધ્યાને રાખીને આવતી કાલે આ વિવાદને લઇ આખરી ઓપ અપાવવાની શક્યતા છે.

મહત્વનું છે કે આ કમિટી જે રચવામાં આવી તેમાં અર્જુન મોઢવાડિયા, સિદ્વાર્થ પટેલ, તુષાર ચૌધરી, નરેશ રાવલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થઇ હોઈ શકે છે.આ કમિટીમાં પૂર્વ પ્રમુખ અને વિરોધપક્ષનાં પૂર્વ નેતાઓનો પણ સમાવેશ થયો હોવાનું ચર્ચાય છે. જેનું મુખ્ય કાર્ય પક્ષનાં સંગઠનનાં પ્રશ્નો અને આંતરિક બાબતોમાં નિર્ણય કરવાનો રહેશે તેમજ લોકસભાની ચૂંટણીમાં ટીમ કોંગ્રેસ તરીકે આ કમિટી કામ કરશે. જો કે મહત્વનું છે કે અમિત ચાવડાએ રચેલી આ કમિટીને લઇ તેઓ આવતી કાલે દિલ્હી જશે અને પસંદ કરાયેલાં નામોને ધ્યાને રાખી આ વિવાદને લઇને આખરી ઓપ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક કકળાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં પણ કમિટીમાંથી ૬ રાજીનામા પડ્‌યાં હતાં. કોંગ્રેસ પક્ષથી અસંતુષ્ટ સભ્યોએ રાજીનામાં ધર્યાં છે. આવામાં કોંગ્રેસ માટે હાલમાં આંતરિક કલહ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેને લોકસભા ચૂંટણી અગાઉ ઠારવો રાહુલ ગાંધી અને સ્થાનિક નેતાઓ માટે જરૂરી બન્યું છે.

Previous articleકોંગ્રેસ દ્વારા રાજયપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર અપાયું
Next articleશિક્ષકના અભાવે બે વર્ગના વિદ્યાર્થીઓ એક જ કલાસમાં ભણે છે