પાલીતાણા ડેમ ચોકડી પાસેથી બંદુક સાથે ‘ભુરો’ ઝડપાયો

1385
bvn11122017-2.jpg

ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે પાલીતાણાના શેત્રુંજી ડેમ ચોકડી પાસેથી ડફેર યુવાનને દેશી જામગરી બંદુક સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે એસઓજી ટીમ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લામાં કેટલાક શખ્સો અપરાધીક પ્રવૃત્તિઓના ઈરાદે પોતાની પાસે ગેરકાયદે હથિયારો રાખતા હોય આવા ઈસમોને ઝડપી લેવા માટે ખાસ એક્શન પ્લાન બનાવાયો હતો અને આજરોજ એસઓજી શાખાના હે.કો. વાય.એન. ગોહિલ, સોહીલભાઈ ચોકીયા, લગધીરસિંહ સહિતનો સ્ટાફ પાલીતાણા-જેસર રોડ પર આવેલ શેત્રુંજી ડેમ ચોકડી પાસે બાતમી રાહે વોચમાં હતા એ દરમિયાન એક યુવાન શંકાસ્પદ હાલતે પસાર થતા જેને અટકાવી નામ-સરનામા પુછવા સાથે અંગજડતી કરી હતી. જેમાં શખ્સના કબ્જા તળેથી દેશી બનાવટની જામગરી બંદુક મળી આવતા પોલીસે તે કબ્જે લીધી હતી અને ઝડપાયેલ યુવાને પોતાનું નામ રફીક ઉર્ફે ભુરો આમદ મોરી (ઉ.વ.૧૯) રહે.પાવકવન બગીચાની બાજુમાં, ગરાજીયા રોડ, પાલીતાણાવાળા હોવાનું જણાવેલ. આ શખ્સ પાસેથી ઝડપાયેલ હથિયાર અંગે કોઈ પાસ-પરમીટ કે દસ્તાવેજ ન મળી આવતા તેના વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આરોપી તથા હથિયાર પાલીતાણા પોલીસને સુપ્રત કરી વધુ તપાસ હાથ ધરી છે.