મતગણતરી : ૩૩ શહેરોમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાશે

772
guj17122017-8.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના મતદાન બાદ હવે તા.૧૮મીની મતગણતરી પર ગુજરાત સહિત દેશ અને દુનિયાની નજર મંડાઇ છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની પ્રક્રિયાને આખરી ઓપ અપાઇ ગયો છે અને મતગણતરીની નિષ્પક્ષ અને તટસ્થ પ્રક્રિયા હાથ ધરવા માટેના તમામ આયોજન હાથ ધર્યા છે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરીને લઇ રાજયના ૩૩ શહેરોમાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે, જે પરિણામોની સતત અને લાઇવ જાણકારી અપડેટ કરતા રહેશે. આ સિવાય ૩૦હજારથી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોતરાશે. આ અંગે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈનએ જણાવ્યું હતું કે, તા.૧૮મી ડિસેમ્બરે મતગણતરીને લઇ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે અને ઇવીએમ-વીવીપેટની સુરક્ષાને લઇને પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. મતગણતરીને લઇને તા.૧૮મીએ સમગ્ર રાજયમાં કુલ ૩૩ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેમાં અમદાવાદમાં ત્રણ, વડોદરા અને સુરતમાં બે-બે, જયારે રાજયના અન્ય જિલ્લાઓમાં એક-એક કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. મુખ્ય કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે. આ સિવાય અમદાવાદ સરકીટ હાઉસ,
 એનેક્સી ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે, જયાંથી રાજયભરના જે કન્ફર્મ પરિણામ આવી ગયા હશે તેની માહિતી જારી કરાશે. મતગણતરીની પ્રક્રિયામાં આશરે ૩૦ હજારથી વધુ કર્મચારીઓ જોતરાશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઇવીએમ અને વીવીપેટ મશીનોની સુરક્ષાને લઇ સ્ટ્રોંગ રૂમ ખાતે સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ અને પેરામિલેટ્રી ફોર્સના જવાનો સહિતના સુરક્ષા જવાનો ખડેપગે તૈનાત છે. સેન્ટ્રલના જવાનોની લગભગ ૧૦૦ જેટલી કંપનીઓ હજુ પણ રાજયમાં મતગણતરીના સ્થાનો અને સ્ટ્રોંગ રૂમ પર સલામતી વ્યવસ્થામાં ખડકાયેલી છે. તા.૧૮મી ડિસેમ્બરે મતગણતરીના સ્થળોએ કાઉન્ટીંગ સુપરવાઇઝર, કાઉન્ટીંગ ઓર્બ્ઝર્વર અને માઇક્રો ઓર્બ્ઝર્વર સહિતના સ્ટાફ આઠ વાગ્યા પહેલાં જ પહોંચી જશે. સવારે આઠ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. સૌપ્રથમ ઇવીએમ અને વીવીપેટ મશીનો સ્ટ્રોંગ રૂમમાંથી ભારે સુરક્ષા વચ્ચે રાજકીય ઉમેદવારો અને તેમના એજન્ટ તેમ જ ચૂંટણી અધિકારીઓ અને નીરીક્ષકોની હાજરીમાં મતગણતરી હોલ ખાતે લાવવામાં આવશે અને મતગણતરીના ટેબલો પર તે મૂકાશે અને રાઉન્ડ વાઇઝ મતગણતરી હાથ ધરાશે. ઉપરાંત, દરેક વિધાનસભા બેઠક દીઠ એક મતદાન મથક પર ઇવીએમના મતોની સાથે વીવીપેટ સ્લીપની ગણતરી કરી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વીવીપેટ કાઉન્ટીંગ ટેબલની અલગ વ્યવસ્થા કરાઇ છે.  તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયાની પાદર્શિતા, તટસ્થતા અને વિશ્વસનીયતા માટે તમામ ૧૮૨ બેઠકોના મતગણતરી હોલ ખાતેથી વેબ કાસ્ટીંગ થશે. આ માટે હાઇ ફ્રિકવન્સી કેમેરા સહિતની સીસ્ટમ પણ લગાવી દેવાઇ છે, જેનું મોનીટરીંગ મુખ્ય કંટ્રોલ રૂમ અને કેન્દ્રીય ચૂંટણી પંચની ઓફિસ ખાતેથી પણ થશે. નિષ્પક્ષ રીતે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવા ચૂંટણી પંચ સજ્જ છે એમ મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને ઉમેર્યું હતું. 
 

Previous articleડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે જન સેવા કેન્દ્ર મદદ કરશે
Next articleઅનઅધિકૃત નંબર પ્લેટવાળા વાહનોને ૫૦૦નો દંડ કરાશે