ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજાની વેબસાઈટ હેક થઈ છે. પાકિસ્તાન હેકર દ્વારા આઈ.કે.જાડેજાની વેબસાઈટ હેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વેબસાઈટમાં બ્લોગના પેજ પર હેકરે પાકિસ્તાન જિંદાબાદ લખ્યુ છે.મહત્વનુ છે કે, પુલવામામાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનની વેબસાઈટ હેક થઈ હતી. ભારતના હેકરો દ્વારા વેબસાઈટ હેક કરવાના પાકિસ્તાની મીડિયાએ દાવા કર્યા હતા. ત્યારે હવે ભાજપના પ્રવક્તા આઈ.કે. જાડેજાની વેબસાઈટ હેક કરીને તેમા પાકિસ્તાનના સમર્થનમાં લખાણ લખવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિત જેશ એ મોહમ્મદના આતંકી હુમલા બાદ હવે પાકિસ્તાની હેકર્સે ભારત પર સાઇબર અટેક કર્યો છે. મળતી જાણકારી અનુસાર પાકિસ્તાનના એક હેકરે ભારતની ૧૦૦ થી વધારે વેબસાઇટ હેક કરી નાંખી છે. એમાં ભાજપની નાગપુર ઓફિસ અને ગુજરાતની સરકારી વેબસાઇટ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ હતી. પાકિસ્તાન લશ્કર અને અન્ય સંસ્થાઓની પણ વેબસાઈટ હેક થઈ હતી. વિદેશમાં પાકિસ્તાનની વેબસાઈટ ઓપરેટ કરવામાં સમસ્યા થઈ રહી હોવાનું સામે આવતા આ મામલે પાકિસ્તાને વેબસાઇટ હેક કરી હોવાનો આરોપ ભારત પર લગાવ્યો હતો.


















