ઘોઘાની ગ્રામરક્ષક દિવાલ તત્કાલ રીપેર કરવા માંગણી

778
bvn22122017-1.jpg

સમગ્ર રાજ્યના અનેક દરિયાકાંઠા પર વસેલા ગામોની દરિયા પ્રોટેક્શન દિવાલ તુટી જતા તે ફરી બનાવવાની માંગ ઉઠી છે ત્યારે ભાવનગરનું ઘોઘા ગામ કે જે દરિયાકાંઠે આવેલું હોય અને જ્યાં અંગ્રેજોના સમયમાં બનેલી પ્રોટક્શન દિવાલ સાવ તુટી જતા ગામના લોકોમાં ભય ફેલાય છે અને સુનામી કે હાઈટાઈડના કારણે ગમે ત્યારે આ ગામમાં દરિયાના પાણી ઘુસી જાય તો મોટી જનહોનારત સર્જાય શકે તેમ છે ત્યારે તાકીદે આ પ્રોટેક્શન દિવાલ બને તેવી લોકમાંગ ગામ લોકો કરી રહ્યાં છે.
ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે. આ ઘોઘાબંદર કે જ્યાં પહેલાના વહાણવટા સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક-જાવક હતી અને ઘોઘાબંદર ધમધમતું હતું. જે સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઈ. આ ઘોઘા ગામ કે જે દરિયાકાંઠે આવેલું છે અને આ ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે જે દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ધરાવતો દરિયો છે.
અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઈડના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે ઈ.સ.૧૮૩૬માં અંગ્રેજો દ્વારા દરિયાઈ સંરક્ષણ દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે દિવાલ ૧ કિ.મી. કરતા પણ વધુ લાંબી છે અને ઘોઘાના નીચાણવાળા વિસ્તાર કાંઠે બનાવવામાં આવી હતી. આ દિવાલય સમય જતા ધીમે ધીમે તુટવા લાગતા ઈ.સ.૧૯ર૦-૧૯ર૪માં અંગ્રેજો દ્વારા દરિયાઈ સંરક્ષણ દિવાલનું ફરી બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ આ દિવાલ સાવ ભાંગી ગઈ છે. આ ગામ લોકોને તેના કારણે દરિયાનું પાણી ગામમાં ઘુસી જવાનો ભય સતાવી રહ્યો છે. આ ૧૧ર૧ મીટર લાંબી પ્રોટેક્શન દિવાલ કે જેમાં ૧૪૧ મીટર દિવાલનો આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે છે. ૪૪૬ મીટરનો ચાર્જ જિલ્લા પંચાયત ભાવનગર હસ્તકનો છે અને ૪૦ર મીટરનો ચાર્જ અલંગ મરીન બોર્ડ હસ્તક છે જેથી દિવાલ બનાવવા માટે ત્રણેય સરમત થાય અને એક સાથે સંયુક્ત કામ હાથ ધરવામાં આવે તો જ આ દિવાલ બનાવવાનું શક્ય છે.હાલમાં પણ જ્યારે મોટી ભરતી આપે છે ત્યારે દરિયા કિનારે આવેલા અમુક વિસ્તારોમાં પાણી ઘુસી જાય છે. જેમાં આજ વર્ષમાં તા.પ-૧ર-૧૭ના ઓખી વાવાઝોડાના સમયે પણ પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. પ્રોટેક્શન દિવાલ સાવ તુટી જતા દરિયો હવે ધીમે-ધીમે જમીનોમાં મોટા-મોટા ગાબડા પાડીને ગામમાં ઘુસવા માટે પોતાની જગ્યા બનાવી રહ્યો છે. જેના કારણે લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબુર બન્યા છે.
આ દરિયો એટલો તોફાની છે કે અન્ય રાજ્યો કે દેશોમાંથી આવતા જહાજો ખોટી દિશામાં ઘુસી ના જાય તે માટે દરિયામાં સતત હરતું ફરતું લાઈટ હાઉસ વર્ષોથી કાર્યરત રાખવામાં આવ્યું છે. અહીંના દરિયામાં સરકાર કે ખાનગી માલિકીની ટેગ કે જહાજો લાંગરેલા હોય છે. આ પ્રોટેક્શન દિવાલથી માત્ર ૧ કિ.મી. દુર ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ પ્રકારની સલામતી માટે આ પ્રોટેક્શન દિવાલનું નિર્માણ કાર્ય સંયુક્ત રીતે અને ઝડપથી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. 

Previous articleગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ
Next articleચોરી કરેલ મોટરસાયકલ સાથે વડીયા ગામના શખ્સને ઝડપ્યો