રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા આજે અંધ ઉદ્યોગ શાળાનાં પટ્ટાગણ ખાતે લાભુભાઈ ટી. સોનાણી લિખિત ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકના ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો’ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવેલ છે. સામાન્ય રીતે વક્તુત્વ સ્પર્ધા વિદ્યાર્થીઓનાં મનપસંદ વિષય પર કે કોઈ એક થીમ આધારિત હોય છે. અત્રે એ નોંધવું ઘટે કે, કોઈ એક જ પુસ્તક પર વક્તુત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હોય એવો આ પ્રથમ બનાવ છે.
લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્પર્ધામાં જિલ્લાની ૯૦ થી વધુ શાળાઓના ૧૮૦ થી વધુ બાળકો ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં યોજાઈ હતી. પ્રાથમિક વિભાગમાંથી ૬ વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગમાંથી ૧૨ વિદ્યાથીઓ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે માંથી પ્રાથમિક વિભાગમાં પ્રથમ સ્થાને સોલંકી જીલ રમેશભાઈ (વલ્લભીપુર માનસ કન્યા વિદ્યાલય), ઘનશ્યામનગર શાળાની બહેનો બારૈયા રિધ્ધિ રોહિતભાઈ દ્વિતીય સ્થાને અને તૃતીય સ્થાને મકવાણા મિત્તલ જીવણભાઈ રહ્યા હતા. જ્યારે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને અંજારા નિશા જીવરાજભાઈ (મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય), દ્વિતીય સ્થાને કાકડીયા વિશ્વકુમાર જીવરાજભાઈ (બજરંગદાસ બાપા હાઈ.- સણોસરા) અને તૃતીય સ્થાને ડાભી દયાબેન ગોવિંદભાઈ (એમ.ડી. પટેલ હાઈસ્કૂલ-ગારીયાધાર) રહ્યા હતા. ફાઈનલમાં પ્રવેશ મેળવનાર પ્રત્યેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. જ્યારે મુખ્ય બંને વિભાગમાં પ્રથમ સ્થાને મેળવનાર સ્પર્ધકને રૂ. ૫૧૦૦/-, દ્વિતીય સ્થાન મેળવનાર સ્પર્ધકને રૂ. ૩૧૦૦/- અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકને રૂ. ૨૧૦૦/- નો રોકડ પુરસ્કાર તથા સ્પર્ધકોનાં ગુણાંકન આધારે પ્રથમ ત્રણ ક્રમે આવનાર સંસ્થાઓને ટ્રૉફી તેમજ ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના માનદ્ મંત્રી, પુસ્તકનાં લેખક અને કાર્યક્રમનાં અધ્યક્ષ લાભુભાઈ સોનાણીએ સ્પધકોને તથા તેમના માર્ગદર્શકોને સફળતાપૂર્વક ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેઓ એ સ્પર્ધાનો હેતુ સમજાવતા કહ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ એ આવતી કાલનાં નાગરિકો, શિક્ષકો-પ્રૉફેસરો, નેતા, ડોક્ટર, વૈજ્ઞાનિકો, સંચાલકો બનશે. સ્પર્ધાના માધ્યમથી બાળકોમાં સંવેદનાનાં બાલ્યાવસ્થાથી જ બીજ રોપવાનો છે જે ભવિષ્યમાં વટવૃક્ષ બની વિકલાંગોને આમ સમાજની મુખ્યધારામાં સમાવવા પ્રયત્ન કરશે.
કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે નીતિનભાઈ ઉપાધ્યાય, બળવંતભાઈ તેજાણી, રાજેશભાઈ વડેરા એન ઉમાંકાન્તભાઈ રાજ્યગુરુ, અમિતભાઈ કવિ, બીપીનભાઈ પંડ્યા, પરેશભાઈ શાહ, બીપીનભાઈ ત્રિવેદી, ક્રિષ્નાબેન શુક્લા, તેજસભાઈ જાની, આશિષભાઈ પંડ્યા, દિલીપસિંહ ચૌહાણ, પ્રવિણાબેન વાઘાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.