ચૂંટણીમાં ભલે હાર્યા પણ કોંગ્રેસ પાર્ટી ખરેખર જીતી : રાહુલ ગાંધી

801
guj24122017-7.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા અને મૂલ્યાંકન માટે ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં કોંગ્રેસના હજારો કાર્યકરો અને ગુજરાતની જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણે ચૂંટણીમાં ભલે હાર્યા પરંતુ કોંગ્રેસ પાર્ટીની ખરેખર જીત થઇ છે. જે પ્રકારે ગુજરાતની કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી તે પરથી ગુજરાત કોંગ્રેસે સમગ્ર દેશને કોંગ્રેસ પાર્ટીની તાકાત બતાવી દીધી કે, કોંગ્રેસ જો એકસાથે ઉભી થઇ જાય અને તેની આઇડીયોલોજી સાથે ચૂંટણી લડે તો કોંગ્રેસ હારતી નથી, જીતે જ છે. રાહુલ ગાંધીએ ગુજરાતના પરિણામોમાં કોંગ્રેસ પાર્ટીના દેખાવ અને ભાજપને ટક્કર આપવાના ગુજરાત કોંગ્રેસના જુસ્સાના ભારોભાર વખાણ કર્યા હતા. રાહુલે ઉમેર્યુ હતું કે, ભાજપ ચૂંટણી એટલા માટે જીતી શકી કારણ કે, તેની
 પાસે સત્તા, પૈસો, તંત્ર અને ઉદ્યોગપતિઓની મદદ હતી અને કોંગ્રેસ પાસે માત્ર સત્ય અને પ્રેમ હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પાયાના કાર્યકરોથી માંડી ટોચના નેતાઓનો ઉત્સાહ વધારતાં વધુમાં જણાવ્યું હતું કે, તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે, આ વખતની ગુજરાતવ વિધાનસભાની ચૂંટણીમાં તમે સૌ જોરદાર રીતે લડયા અને ભાજપને જબરદસ્ત ટકકર આપી. કોંગ્રેસની કામગીરી એકંદરે સારી રહી. તો, ભાજપને આપણે ગુજરાતની જનતાના મુદ્દા આધારિત સવાલો પૂછયા પરંતુ મોદીજી કે ભાજપ તેના જવાબો આપી શકયા નહી અને ચૂંટણીમાં કોંગ્રેસની જ અને મોદીજીએ પોતાની વાતો જ કર્યે રાખી. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભાજપના વિકાસ અને મોદી મોડેલની પોલ ખોલી નાંખી. ચાર મહિનાથી હું ગુજરાતમાં હતો અને ત્યારે ભાજપ એમ કહેતું હતું કે, કોંગ્રેસની ૨૦-૨૫ બેઠકો આવશે પરંતુ ગુજરાતની કોંગ્રેસે સમગ્ર દેશને બતાવી દીધું કે, કોંગ્રેસ જો એકસાથે ઉભી થઇ જાય અને તેની આઇડીયોલોજી સાથે ચૂંટણી લડે તો કોંગ્રેસ હારતી નથી, જીતે જ છે. આપણે ઉભા થઇ ગયા અને સાબિત કરી દીધું કે, કોંગ્રેસ પ્રેમથી લડે છે અને ચૂંટણી જીતી શકે છે. રાહુલ ગાંધીએ એ મુદ્દે ખાસ ધ્યાન દોર્યું હતું કે, આ વખતે વિધાનસભામાં કોંગ્રેસની નવી લીડરશીપ તૈયાર થઇ છે અને તે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી લડશે અને ત્યારે કોંગ્રેસની ૧૩૫ બેઠકો આવશે. તેમણે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને શીખ આપતાં જણાવ્યું કે, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો કોંગ્રેસના એમ્બેસેડર છે અને તેમને જનતા જોઇ રહી છે, તેથી તેમણે ગુજરાતની જનતાને બતાવવાનું છે કે, કોંગ્રેસના ધારાસભ્યો પ્રજાના મુદ્દા માટે લડે છે અને કયારેય પાછા નથી હટતા. તેમણે ભાજપ સામેની સત્ય-પ્રેમની લડાઇ જારી રાખવા પણ હજારો કાર્યકર્તાઓને હાકલ કરી હતી. પોતાના વકત્વયના અંતમાં રાહુલે ઉદારતાપૂર્વક અને નિખાલસપણે ભાજપ અને તેના નેતાઓને આ ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

રાહુલે એક હિન્દુ તરીકે સોમનાથના દર્શન કર્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વખતે સોમનાથ મહાદેવના હિન્દુ તરીકે દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીએ બિન હિન્દુના રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વિના સીધા જ મંદિરમાં પ્રવેશ મેળવી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને દેવાધિદેવ 
મહાદેવને જળાભિષેક કરી, પૂજા-અર્ચના કર્યા હતા અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૯મી નવેમ્બરે રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા ત્યારે તેમણે મંદિરના ટ્રસ્ટના નિયમ મુજબ, બિન હિન્દુએ રજિસ્ટરમાં એન્ટ્રી ફરજિયાત કરવી પડતી હોઇ રાહુલની એન્ટ્રી પણ રજિસ્ટરમાં થઇ હતી, જેને લઇ ભારે વિવાદ જાગ્યો હતો. બાદમાં કોંગ્રેસ પક્ષ તરફથી સ્પષ્ટતા કરાઇ હતી કે, રાહુલ જનોઇધારી બ્રાહ્મણ છે. તેથી આ વખતે રાહુલે સોમનાથ મંદિરમાં સીધા જ પ્રવેશ કરી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. 

Previous articleરાહુલ પહેલા બિન-હિન્દુ તરીકે મંદિરે કેમ ગયા હતા તેનો ખુલાસો કરે : વાઘાણી
Next article૨૬મીએ ભાજપ સરકારનો શપથિવિધિ સમારોહ યોજાશે