રોટરી ક્લબ ઓફ કેપિટલ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વેટર વિતરણ કરાયા

994
gandhi1892017-5.jpg

વૈદિક પરિવાર, ગાંધીનગર અને રોટરી ક્લબ ઓફ કેપિટલ દ્વારા સેક્ટર-૮ સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને દિવ્ય દૃષ્ટિ જાગરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સમાપન પ્રસંગે રોટરી ક્લબનાં ડિસ્ટ્રીક્ટ ગવર્નર મૌલિનભાઈ પટેલ ખાસ પધાર્યા હતા.
મૌલિનભાઈ પટેલનાં હસ્તે શાળાની વિદ્યાર્થીનીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. સ્વેટરની સાથે મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે વિદ્યાર્થી ઔર તનાવ હિન્દી પુસ્તક પણ તમામ વિદ્યાર્થીનીઓને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળાને બે ટેબલ ફેન પણ ભેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં ઈન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર અને રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં પૂર્વ પ્રમુખ ડૉ. એસ. કે. નંદા અને આસીસ્ટન્ટ ગવર્નર દેવેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમના પ્રારંભમાં ક્લબનાં પ્રમુખ બી. કે. ચાવડાએ સ્વાગત પ્રવચન કરેલ. ત્યારબાદ અરવિંદભાઈ રાણાએ કલબ અને વૈદિક પરિવારનાં સંયુક્ત ઉપક્રમે ચાલતી સ્ટ્રેસ મેનેજમેન્ટ અને દિવ્ય દૃષ્ટિ જાગરણનાં કાર્યક્રમોની વિગતો આપી હતી. દિવ્ય દૃષ્ટિ જાગરણના પ્રત્યક્ષ નિદર્શન દરમ્યાન બંધ આંખે વિદ્યાર્થીનીઓને વાંચતા જોઈ મંચસ્થ મહાનુભાવો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.
શાળાનાં આચાર્યા કુસુમબહેન ચૌહાણનાં વિશેષ પ્રયત્નોથી અને શિક્ષકગણનાં સહકારથી શાળાની વિદ્યાર્થીનીઓએ ધોરણ-૧રમાં ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હતું તે બદલ શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ડૉ. એસ. કે. નંદાએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને દિવ્ય દૃષ્ટિ જાગરણનાં કાર્યક્રમો દ્વારા બૌદ્ધિક ક્ષમતામાં ખૂબ મોટો વધારો થતો હોવાનું જણાવી અભ્યાસમાં સફળતા મેળવવા પ્રેરણા આપી હતી. ડિસ્ટ્રીક્ટ ગવર્નર મૌલિનભાઈ પટેલે રોટરી ક્લબ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી ગાંધીનગરની ક્લબ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રસંશા કરી હતી.
કાર્યક્રમનાં પ્રારંભમાં વિદ્યાર્થીનીઓને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સ્વાગત ગીત બાદ આસનોનું નિદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વૈદિક પરિવારનાં ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી, રોટરી ક્લબનાં સ્થાપક પ્રમુખ જગતભાઈ કારાણી, પૂર્વ પ્રમુખોમાં યુવરાજસિંહ વાઘેલા, અરવિંદભાઈ રાણા, અમીબહેન શાહ, મનોજભાઈ સરૈયા, પ્રેસિડન્ટ ઈલેક્ટ ભરતભાઈ પટેલ, સેક્રેટરી અભેરાજભાઈ ચૌધરી,  જયશ્રીબહેન ખેતીયા સહિત શાળાનાં શિક્ષકગણ અને ૧પ૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.