સપ્ટેમ્બર માસમાં ઘોઘા-દહેજ સર્વિસ લોકાર્પણ કોઈ કાળે શકય બનશે નહીં

1059
bvn1192017-13.jpg

ભાવનગર, તા.૧૦
ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ સમુદ્રના કાંઠે રૂા.રર૩ કરોડના ખર્ચે આકાર લઈ રહેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ નિર્માણ કાર્યના આજે ૬૮ માસ જેવો સમય વિતી ચુક્યો હોવા છતા નિર્માણ કાર્ય પૂર્ણ થઈ શકયું નથી અને સરકાર આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને લઈને ભાવનગરવાસીઓને મુર્ખ બનાવી રહી હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે.
થોડા સમય પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર આવ્યા હતા તે વેળા તેમણે સત્તાવાર એવી જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને સમુદ્રી માર્ગે જોડતા કડીરૂપ યોજના ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે અને ઓગષ્ટ માસમાં પ્રધાન મંત્રી મોદીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે પરંતુ જેના શિરે સમગ્ર સ્ટ્રક્ચર થઈ લઈને તમામ કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી અપાઈ છે એવી ગુજરાતની જ એસઆર કંપનીની દાનત ખોરી ટોપરા જેવી હોય તેમ એક બાદ એક કારણો આગળ ધરી નિયત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કર્યુ નથી. જેને લઈને રાજ્ય સરકારે ફરી એકવાર જાહેરાત કરી કે ઓગષ્ટના બદલે સપ્ટેમ્બર માસમાં યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવશે પરંતુ વર્તમાન સ્થિતિ નિહાળતા ચાલુ માસ દરમ્યાન પણ ફેરી સર્વિસ શરૂ થવાની શક્યતાઓ નહીં બરાબર છે. કારણ કે ઘોઘા અને દહેજ બન્ને જગ્યાની જેટી પર લીંક સ્પાન મુકવાના બાકી છે. ડ્રેઝીંગ, ફાઈનલ એલીવેશન તથા સૌથી અગત્યના એવા પેસેન્જર વેસલ વસાવવાનું પણ બાકી હોય ત્યારે કયા સંજોગે સરકાર ફેરી સર્વિસ શરૂ કરી શકશે ? તેવા સવાલો લોકો કરી રહ્યાં છે.
સમગ્ર પ્રોજેક્ટ વર્તમાન સમયે ડીલે થવાનું કારણ નિર્માણ કરતી કંપની એસઆર છે. રાજ્ય તથા કેન્દ્ર સરકારે નિર્માણ સમયે અવરોધરૂપ તમામ અડચણો દુર કરાવી જરૂરી તમામ સવલતો પ્રદાન કરી છે. એશિયાની સૌથી મોંઘા નિર્માણ કાર્ય માટે સરકારે કોઈ જ કચાશ રાખી નથી. વિષમ પરિસ્થિતિમાં પણ વિદેશના તજજ્ઞો અત્યાધુનિક દરજ્જાના સાધનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ ઉપલબ્ધ કરાવી છે. અત્રે નોંધનિય છે કે અમુક ખાસ ટેકનીકનો ઉપયોગ દેશમાં સૌપ્રથમવાર કરવામાં આવ્યો છે. હા સમગ્ર વિશ્વમાં સૌથી ખતરનાક બીજા નંબરનો કરંટ ખંભાતના અખાતમાં છે. આ બાબત નિર્માણ કાર્યમાં સૌથી મોટી બાધારૂપ કારણ રહ્યું છે પરંતુ સમગ્ર બાબતો તપાસના એક વાર ચોક્કસ ફલિત થાય છે કે ભાવનગર જેવું શહેર તથા તેના આંગણે રો-રો ફેરી સર્વિસનું નિર્માણ રાજકિય ઈચ્છા શક્તિનો સ્પષ્ટપણે અભાવ દર્શાવે છે. બાકી મુશ્કેલ કોઈ બાબત નથી.

પ્રયત્નો શરૂ છે, આ માસમાં કાર્ય પૂર્ણ થાય

ઘોઘા તથા દહેજ બન્ને સાઈટ પર તાજેતરમાં ડ્રેઝીંગ કામ પૂર્ણ કરી ચેનલો બનાવવામાં આવી રહી છે. ગત માસે દરિયામાં પુરી ભરતી ન મળતા લીંક સ્પાન ફિટ કરી શક્ય ન હતા પરંતુ આ માસની ૧ર થી ૧૮ તારીખ સુધીમાં બન્ને સ્થળો પર પુરતા પ્રમાણમાં ટાઈડ મળશે. પરિણામે ક્રેઈન સરળતાપૂર્વક સ્થાપિત કરી સૌપ્રથમ દહેજ બાદ ઘોઘામાં લીંકસ્પાનનું જોડાણ કરાશે. ઓગષ્ટ માસમાં દરિયો ધાર્યા કરતા વધુ રફ હતો તેમજ ભારે વરસાદ પુરના કારણે નર્મદા, તાપી, સાબરમતી, મહી, વિશ્વામિત્રી સહિતની નદીઓમાં આવેલા ભારે પુરના કારણે કંપની માત્રા વધતા ડ્રેઝીંગ કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતા યુધ્ધના ધોરણે ડ્રેઝીંગ કરી ચેનલ તૈયાર કરવામાં આવી છે તેમજ ૧પ થી રપ સપ્ટેમ્બર સુધીમાં વેસલ પણ આવી જશે. આમ માસ અંત સુધીમાં કામ પૂર્ણ કરવાના પ્રયત્નો તેજ કર્યા છે.
– જીએમબી, ગાંધીનગર
 

Previous articleવડવા વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત
Next articleઅમદાવાદમાં નવલી નવરાત્રીની નેટ પ્રેક્ટિસ