ઈતિહાસની ઓળખ બનેલા ઘોઘા ખાતે ચર્ચમાં નાતાલની ઉજવણી

745
bvn26122017-6.jpg

ઘોઘા ખાતે આવેલ વર્ષો જુના એક માત્ર ચર્ચ ખાતે ઘોઘાના ખ્રિસ્તી પરિવારો દ્વારા પરંપરાગત રીતે નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવને લઈને ખ્રિસ્તી સમુદાયના નાના-મોટા તમામ લોકો સામેલ થયા હતા. 
ભાવનગર જિલ્લાના ઘોઘા સમુદ્ર તટે આવેલ ખ્રિસ્તી સમુદાયનું ચર્ચ ઈતિહાસની આગવી ઓળખ બનેલું છે. એક સમયે ઘોઘા બંદર જગવિખ્યાત હતું. એવા સમયે અત્રે મોટા પ્રમાણમાં પરદેશથી આવીને વસેલા ખ્રિસ્તી પરિવારોએ અહીં પોતાના સમુદાયની સ્થાપના કરી હતી. એમાં સમુદ્રને અડીને આવેલ ચર્ચ ૧૭પ વર્ષ કરતા વધુ જુનુ હોવાનું પ્રમાણ આ ચર્ચમાં લગાવેલ તકતી પરથી ફલિત થાય છે. સમગ્ર ચર્ચ વિશે માહિતી આપતી અનેક કિંમતી ધાતુઓની તકતીઓ ઈ.સ.૧૮૪૦માં લગાવવામાં આવી હતી. પરંતુ સમયાંતરે ઘોઘા બંદર ભાંગી પડતા અહીં વસતા ખ્રિસ્તી સમાજના લોકો પરદેશ અને પરપ્રાંતમાં સ્થળાંતરિત થયા હતા. હાલમાં ૪૦ જેટલા પરિવારોનો કાયમી વસવાટ છે. આ પરિવારોના અનેક સભ્યો પરદેશમાં રહે છે અને ત્યાં જ વેપાર-ધંધાઓ વિકસાવે છે. આ લોકોના વ્યવહારિક મુળ ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ છે. પ્રતિ વર્ષ ક્રિસમસ પર્વ સમયે દુરદુરથી પરિવારના સભ્યો આવી પહોંચે છે અને ૧લી જાન્યુઆરી સુધી ક્રિસમસ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરે છે. આ પરંપરા અનુસાર આ વર્ષે પણ આ ચર્ચમાં મોટીસંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ખ્રિસ્તી જન્મનું નાટક, કેરોલ સીંગીંગ, દાંડીયારાસ, સમુહ ભોજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચની નોંધ ઈતિહાસના ઉજળા પાને પણ થયેલી છે. જેમાં ઉલ્લેખ છે કે, ઘોઘા બંદરે ઉતરેલ પ્રથમ ખ્રિસ્તી મિશનરીઓ રેવ જેમ્સ ગ્લાસગો તથા એલેકઝેન્ડર કેર દ્વારા આ ચર્ચનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. 

Previous articleએક પરિચિત છતાં અજાણી મુલાકાત
Next articleકથ્થક નૃત્યની પ્રસ્તુતિ…