રૂપાણી સરકારના મંત્રીઓને ખાતાની ફાળવણી

782
guj29-12-2017-2.jpg

ગત તા.ર૬મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીઓની શપથવિધિ કરાયા બાદ છેક બે દિવસ પછી આજે રાત્રિના સમયે કેબીનેટની લાંબી ચર્ચાઓ અને વાદ-વિવાદ બાદ મંત્રીઓના ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ગૃહખાતુ મુખ્યમંત્રી રૂપાણી પાસે રાખવામાં આવ્યું છે. જ્યારે આરોગ્ય ખાતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે રાખવામાં આવેલ છે.
શપથવિધિ બાદ મંત્રીઓને ખાતા ફાળવણી વિલંબમાં પડતા ચર્ચાનો વિષમ બન્યો હતો. ગઈકાલે મંત્રીઓને કેબીનો પણ ફાળવાઈ ગઈ હતી પરંતુ ખાતા ફાળવાયા ન હતા. દરમ્યાન મંત્રી મંડળમાં વડોદરાના એક પણ ધારાસભ્યનો સમાવેશ કરાયો ન હોય રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાની હેઠળ વડોદરાના ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી અને એક તબક્કે રાજીનામાની ચિમકી પણ અપાઈ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે.
કેબીનેટની મળેલી લાંબી બેઠકમાં ચર્ચાઓ બાદ આજે રાત્રિના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવેલ. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગૃહ, શહેરી વિકાસ, માહિતી પ્રસારણ સહિતના ખાતાઓ પોતાની પાસે રાખ્યા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે માર્ગ-મકાન, આરોગ્ય, તબીબી શિક્ષણ સહિતના ખાતા રખાયા હતા. અન્ય મંત્રીઓમાં આર.સી. ફળદુને કૃષિ, ગ્રામ વિકાસ, મસ્ત્યોદ્યોગ, પશુપાલન અને વાહન વ્યવહાર, જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, નાગરિક ઉડ્ડયન, ગૌ સંવર્ધન, મીઠા ઉદ્યોગ સહિતના ખાતાઓ આપવામાં આવેલ. કૌશિક પટેલને મહેસુલ વિભાગ તેમજ સૌરભ પટેલને નાણા તથા ઉર્જા વિભાગના મંત્રી બનાવાયા. જ્યારે ગણપતસિંહ વસાવાને આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપાયો છે તેમજ જયેશ રાદડીયાને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ સહિતના ખાતા અપાયા છે. દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા યાત્રાધામ વિકાસ, જ્યારે ઈશ્વરભાઈ પરમારને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું ખાતુ આપવામાં આવેલ.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદિપસિંહ જાડેજાને ગૃહ ઉર્જા, વૈધાનિક અને સંસદીય બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, પોલીસ હાઉસીંગ બોર્ડર સિક્યુરીટી સિવીલ ડિફેન્સ ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી-આબકારી સહિતના ખાતાઓ ફાળવાયેલ. જ્યારે પરબતભાઈ પટેલને સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ. પરશોત્તમભાઈ સોલંકીને મસ્ત્યોદ્યોગ તેમજ બચુભાઈ ખાબડને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ તેમજ જયદ્રથસિંહ પરમારને કૃષિ પંચાયત પર્યાવરણ વિભાગનો સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ. ઈશ્વરસિંહ પટેલને રમતગમત યુવક સાંસ્કૃતિક વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ વાહન વ્યવહારના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો આપવામાં આવેલ. વાસણભાઈ આહિરને સામાજિક-શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણનો વિભાગ આપવામાં આવેલ. જ્યારે વિભાવરીબેન દવેને મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ અને યાત્રાધામનું ખાતુ ફાળવવામાં આવેલ. રમણલાલ પાટકરને વન અને આદિજાતિ વિભાગ તેમજ કિશોર કાનાણીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગનું ખાતુ ફાળવવામાં આવેલ છે.

Previous article બજારમાં આવ્યા મોદી v/s રાહુલ ગાંધીના પતંગો, લખાયું કિસમેં કિતના દમ
Next articleટ્રેલરે ટ્રેક્ટરને અડફેટે લેતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત