નીતિન પટેલનો ‘વિજય’,નાણામંત્રાલય સોંપાયુ

1039
guj1-1-2018-2.jpg

બે દિવસના સંપૂર્ણ ઘટના ક્રમ બાદ આજે સત્તાવાર રીતે નીતિન પટેલને નાણાંમંત્રાલય સોંપવાની ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. તો બીજી બાજુ ડેપ્યુટી સીએમ નિતીન પટેલે આજે સવારે રવિવારે ૧૦.૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મને સવારે ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે મને શોભે તેવા ખાતાની ફાળવણી કરાશે. હું આજે કાર્યાલયમાં જઈને ચાર્જ સંભાળી લઈશ. નિતીન પટેલે સૌનો આભાર માન્યો હતો. અને ભાજપ મોવડી મંડળે મને યોગ્ય ગૌરવ અને સન્માન આપ્યું છે, તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છે.નિતીન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારમાં હું બીજા નંબરના મંત્રી તરીકે છુ. ડેપ્યુટી સીએમના હોદ્દાને શોભે તેવા ખાતા મળવા જોઈએ. મે મારી લાગણી સીએમ વિજય રુપાણીને જણાવી હતી. તેમજ ભાજપના મોવડી મંડળને જણાવી હતી. મારું સન્માન જળવાય તે જરૂરી હતું, જેની આ લડાઈ હતી. મે મારા પક્ષ ભાજપ માટે વિપરીત સંજોગોમાં કામ કર્યું છે. પક્ષે મને મોટો બનાવ્યો છે, જેથી પક્ષ છોડીને જવાની વાત ન હતી. હું ૪૦ વર્ષથી ભાજપમાં છું, બીજા પક્ષ માટે હું કદીય વિચારી શકુ નહી. પણ કેટલાક રાજકીય પક્ષો રાજકીય લાભ લેવા માટે અફવાઓ ફેલાવી હતી. મારા સન્માનની લડાઈમાં લોકોએ સમર્થન આપ્યું તે બદલ હું આભાર માનું છું, અને સાથે મિડિયાનો પણ આભાર વ્યક્ત કરું છે, મારી સાચી લાગણી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડી છે.
નિતીન પટેલે જણાવ્યું હતું કે ભાજપ કમાન્ડની સાથે મારા સાથી મિત્રો ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, કૌશિક પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ જેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મારા પર વિશ્વાસ મુક્યો છે. પક્ષે જ મને મોટો કર્યો છે. પક્ષના કારણે જ મારી ઓળખ છે.
નીતિન પટેલે કોંગ્રેસ અને હાર્દિક પર વાર કરતાં એવું પણ કહ્યું હતું કે, ‘આવા પ્રકારના સંજોગોનો કેટલાક લોકો ફાયદો લેવા માગતા હોય છે. કોંગ્રેસે પણ મને પાર્ટીમાં આવવાની ઑફર કરી દીધી અને અન્ય લોકોએ પણ મને પાર્ટી છોડવા કહ્યું હતું, પરંતુ મારો ભાજપ સાથેનો નાતો ૪૦ વર્ષ જૂનો છે. મને ભાજપે જ બનાવ્યો છે. હું છેલ્લા ૪૦ વર્ષથી પાર્ટીની સેવા કરી રહ્યો છું, અને કરતો રહીશ. મે મુશ્કેલીના સમયમાં અને દરેક સારા સમયમાં પણ પાર્ટીનો સાથ આપ્યો છે અને હવે પાર્ટીએ મને સાથ આપ્યો છે, તેના માટે હું પાર્ટીનો આભારી છું.’
બાકી હું પાર્ટીનો અને મને મદદ કરવા આવેલા સૌ કોઇ મારા મિત્રોનો દિલથી આભાર માનું છું. મારી પડખે ઊભા રહેવા બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું અને લોભામણી લાલચમાં હું ક્યારેય પાર્ટી સાથે દગો નહીં કરું તેવું નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યુ હતુ. ગત ગુરૂવારથી રાજ્ય સરકારમાં ચાલતા હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે આજે સવારે મોભાદાર ખાતાની ખાતરી મળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન ૫ટેલે આજે પોતાનો ૫દભાર સંભાળતા મહેસાણા બંધના એલાન માટે ના પાડી હતી.
ગાંધીનગર સ્થિત કાર્યાલયમાં પૂજન-અર્ચન કરીને ૫દભાર સંભાળ્યા બાદ સમર્થકો દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે કોઇ મોટા મંત્રીની હાજરી જોવા મળી નહોતી. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, ગઇકાલે મહેસાણાના કાર્યકરો મળવા આવેલા, આખા દિવસમાં આશરે પાંચ હજાર શુભેચ્છકો આખા ગુજરાતમાંથી આવ્યા હતાં. મેં મહેસાણાના કાર્યકરોને બંધનું એલાન ન આપવા વિનંતી કરી છે. મારા મોભાને અનુરૂ૫ ૫દ સોંપાવાની ખાતરી મળી છે. મોવડી મંડળના આશિર્વાદથી આજે ચાર્જ સંભાળ્યો છે.