હજુ હમણા જ ભાજપને વિધાનસભાની બેઠકોમાં મોટો ફટકો પડ્યો છે ત્યાં ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે જ પોતાના પક્ષના વલણ સામે બાંયો ચઢાવી છે. નીતિન પટેલે પોતાના માન-સન્માન માટે ખાતાની ફાળવણીને લઈને નારાજગી વ્યક્ત કરી છે ત્યાં તેમને મનાવવાના મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જોકે તેમને મનાવવા માટે તેમની પાસે છીનવાયેલું ખાતું તેમને પરત ફાળવતા રાજકીય માહોલમાં ભડકો થયો છે.
હવે માહોલ એવો છે કે નીતિન પટેલ બાદ અન્ય નેતાએઓ પણ મંત્રી પદને લઈને નારાજ થઈ રહ્યા છે. માહિતી મળી રહી છે કે હવે બાબુ બોખીરિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન નહીં મળતા નારાજ થયા છે. જોકે ભાજપ તેમને વિધાનસભા સ્પિકરની ખુરશી પર બેસાડવા માગતું હોવાનું કહેવાય છે પણ બોખીરિયાને કેબિનેટ કક્ષાનું પદ અથવા તેના મહત્વથી ઓછું જોઈતુ નથી તેવું તેમણે સ્પષ્ટ કર્યું છે.બોખીરિયાએ સ્પિકર પદને ઠુકરાવ્યું છે અને પોતાને કેબિનેટમાં બેસાડાય નહીં તો તે ધારાસભ્ય પદથી રાજીનામુ આપશે તેવી ચિમકી ઉચ્ચારી છે. હાલ બોખીરિયાને મનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ પુરવઠા પ્રધાન રહી ચુક્યા છે.



















