બજરંગદાસબાપાની ૪૧મી પૂણ્યતિથિ ઉજવાઈ

1102
guj612018-9.jpg

પૂજ્ય બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આજે પૂ.બાપાની ૪૧મી પૂણ્યતિથિ મહોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સદ્દગુરૂદેવના આ અવસરમાં ગુરૂઆશ્રમ બગદાણા ખાતે હજારોની સંખ્યામાં ભાવિકજનો ઉમટ્યા હતા.
લાખો ભક્તજનોના હૃદય સિંહાસન પર દેવ કક્ષાએ બિરાજમાન પૂ.બાપાના ધામમાં હૈયેહૈયુ દળાય તેટલી ભીડ રહી હતી. ગત રાત્રિ તેમજ આજના વહેલી સવારથી માનવ મહેરામણનો પ્રવાહ અવિરત શરૂ રહ્યો હતો.
આજના આ ધન્ય પ્રસંગે મંગલ પ્રભાતના વહેલા પાંચ વાગે મંગલા આરતીથી ધર્મમય વાતાવરણ વચ્ચે કાર્યક્રમો આરંભાયા હતા. ધ્વજારોહણ તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજનમાં મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ સામેલ થયા હતા. ૯-૩૦ કલાકે ભારે આકર્ષણરૂપ 
બનેલી પૂ.બાપાની નગરયાત્રાનો શુભારંભ થયો હતો. ખાસ શણગારાયેલી જીપ ગાડીમાં પૂ.બાપાની છબી પધરાવીને રંગદર્શી શોભાયાત્રા નિકળી હતી. બાપા સીતારામના ગગનભેદી નાદ સાથે ઢોલ-નગારા અને ડી.જે. સાઉન્ડના તાલ સાથે આ યાત્રા બગદાણા ગામમાં ફરી હતી. ગુલાલ તેમજ ચોકલેટ-પીપરમેન્ટની સતત છોળો ઉડતી રહી હતી. નગરયાત્રામાં ભક્તિભાવ સાથે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.
સવારના દસ કલાકથી બહેનો અને ભાઈઓ માટેના અલગ-અલગ ભોજન શાળાઓમાં સૌએ પરંપરાગત રીતે પંગતમાં બેસીને પ્રસાદ લીધો હતો. રસોડા વિભાગમાંથી મળેલી વિગતો પ્રમાણે ભોજન પ્રસાદ માટે અગિયારસો મણ લાડુ, ૭૦૦ મણ ગાંઠીયા, પપ૦ મણ શાકભાજી, ર૦૦ મણ લોટની રોટલી, ૧પ૦ બોરી દાળ તથા રરપ બોરી ભાતનો પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. અહીં સ્વયંસેવકોની ઉમદા સેવા મળી હતી તેમજ બજરંગદાસબાપા હાઈસ્કુલની ધો.૧૧ અને ૧રની એકસો વિદ્યાર્થીનીઓએ પણ બહેનોની ભોજનશાળા ખાતે સેવા આપી હતી.
પોલીસ વિભાગનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. કેસરી સાફામાં સજ્જ યુવાનોએ પણ સુરક્ષા વિભાગમાં સેવા પુરી પાડી હતી. આ સિવાય સમગ્ર મહોત્સવ વેળાએ આજુબાજુના આશરે ર૦૦ જેટલા ગામોના અગિયાર હજાર સ્વયંસેવકોએ ખડેપગે સેવા આપી હતી. સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ કાર્યકરો, ભક્તોના માર્ગદર્શન નીચે આ વર્ષનો પૂણ્યતિથિ મહોત્સવ શ્રધ્ધા અને ભક્તિ સાથે સંપન્ન થયો હતો.