એકના ડબલની લાલચમાં હિંમતનગરના પિતા-પુત્રે ૧૧.૫૧ લાખ ગુમાવ્યા

627

ઇડર તાલુકાના શેરપુર ગામના બે શખ્સોએ ડુંગરી ગામના પિતા-પુત્રને વડનગરના બે શખ્સો સાથે મલાવી એકના ડબલ કરાવી આપવાની લાલચ આપી રૂ.૧૧.૫૧ લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ જાદર પોલીસ મથકે નોંધાયો છે. રૂ.૩૦ લાખની લ્હાયમાં નોટોના બંડલ ભરેલું બોક્સ ખોલતાં તેમાંથી રૂ.૧૦૦ની ચાર નોટો નીકળી હતી. બાકીના કોરા કાગળ હોઇ પિતા-પુત્રના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.

ડુંગરી ગામના નિમેશ જયંતિલાલ પટેલ શેરપુર ગામના ગોપાલ મોહનભાઇ વણકર (કાપડીયા) અને તેના વર્મા નામના મિત્રના પરિચયમાં આવ્યા હતા. ૨૫ માર્ચના રોજ ગોપાલ કાપડીયાએ વાત કરી હતી કે વડનગરના પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે મારે ઓળખાણ છે અને તેઓ એના ડબલ કરી આપે છે. આથી નિમેશ પટેલ ઇડર ગયા હતા અને ગોપાલ કાપડીયા તથા વર્મા નામના શખ્સ સાથે વડનગર જઇ અને તળાવ નજીકના રસ્તે થઇ એક ખેતરની ઓરડીમાં પહોંચ્યા હતા. જ્યાં આ બંને શખ્સો કાગળના બંડલ પ્રવાહી ભરેલા ત્રણ તગારામાં નાખી તેમાંથી રૂ.૨૦૦, રૂ.૧૦૦, રૂ.૫૦ અને રૂ.૨૦ ની નોટો બનાવી સૂકવી રહ્યા હતા.

૧૨ લાખ લઈ આપો તો ૩ લાખ આપીશુંઃ ગોપાલ કાપડીયા અને વર્માએ બંને પિયુષ ઠાકોર અને નિકુલ ઠાકોર સાથે પરિચય કરાવતાં તેમણે કહ્યું કે, અમારી પાસે અલગ અલગ કેમિકલ છે તમે જેટલી રકમ આપશો તેના અઢી ગણા પૈસા અમે તમને તરત આપી દઇશું. આથી ગોપાલ કાપડીયા અને વર્માએ કહ્યું કે પૈસાની સગવડ કર અમે અઢી ગણા પૈસા અપાવીશું. ઘેર આવીને નિમેશ પટેલે તેના પિતા જયંતિલાલ પટેલને વાત કરતાં તેમણે પોતાની પાસેથી તથા સગાસંબંધીઓ પાસેથી રૂ.૫.૫૧ લાખ ભેગા કરી પિયુષ અને નિકુલને ફોનથી વાત કરતાં તેમણે કહ્યું કે, તમે રૂ.૧૨ લાખ લઇ આવો તો અમે તમને રૂ.૩૦ લાખ કરી આપીશું.

પોલીસે તપાસ હાથ ધરીઃ ૨૮ માર્ચના રોજ નિમેષ પટેલ અને તેના પિતા સવારે ૧૧ વાગે વડનગર જઇ રૂ.૫.૫૧ લાખ આ બંને જણાને આપતાં તેમણે કહ્યું કે આટલી મોટી રકમ અત્યારે અહીં નથી બીજી જગ્યાએથી લઇ આવું છુ કહી બાઇક લઇને જતા રહ્યા હતા અને ઘણા સમય બાદ તેમણે કહ્યું કે તમે જતા રહો અમે સાંજે તેજપુરા આવવાના છીએ પરંતુ બીજા દિવસ સુધી ન આવતાં પિયુષને ફોન કરતાં તેણે કહ્યું કે તમે રૂ.૧૨ લાખ આપવાના હતા, પૂરેપૂરી રકમ લઇને આવશો તો રૂ.૩૦ લાખ આપી દઇશું. આ અંગે ગોપાલ અને વર્માને વાત કરતાં તેમણે કહ્યું કે બાકીના રૂ.૬.૫૦ લાખની સગવડ કરી દો અમે તમારી સાથે આવીને પૈસા અપાવી દઇશું. જાદર પોલીસે નિકુલ અને પિયુષ નામના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ આવે છે ફટાફટ નીકળી જાઓઃ તા. ૦૨/૦૪/૧૯ ના રોજ ગોપાલ સાથે લઇને પિતા-પુત્ર વડનગર ગયા હતા જ્યાંથી તેમને આ બંને ખેરાલુ તાલુકાના કેશરપુરા ગામે બોલાવેલ અને રૂા.૬ લાખ તેમને આપ્યા હતા અને રૂા.૫૦ હજાર સગવડ થયેથી આપવાનુ કહેતા તેમણે ખાખી કલરના પૂંઠાનુ એક બોક્સ આપ્યુ હતુ અને બોક્સના કાણામાંથી રૂા.૧૦૦ ના દરની નોટો બતાવી હતી. બોક્સ આપ્યા બાદ તેમણે કહ્યુ કે અહીથી ફટાફટ નીકળી જાઓ પોલીસની ગાડી આવતી લાગે છે ત્રણેય જણા ત્યાંથી નીકળી ગયા હતા અને પિતા-પુત્રએ ઘેર આવી બોક્સ ખોલતા અંદરથી રૂા.૧૦૦ ના દરની ચાર નોટો ઉપર મૂકેલી નીકળી હતી. નીચેના ભાગે કોરા કાગળ હતા.

Previous articleપાટણમાં સ્પા મસાજ સેન્ટરમાં ચાલતું સેક્સરેકેટ ઝડપાયું, થાઈલેન્ડની બે યુવતી સહિત ૪ની ધરપકડ
Next articleદહેગામ નજીક તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, ૨નો બચાવ