શહેરના જ્વેલ્સ સર્કલથી નિલમબાગ તરફ જવાના રોડ ડેરી રોડ પર તંત્ર દ્વારા બનાવવામાં આવી રહેલ ડીવાઈડર તથા ખરાબ રોડ વાહન ચાલકો રાહદારીઓ માટે વિકટ પ્રશ્ન બન્યો છે.
ભાવનગર મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જ્વેલ્સ સર્કલથી નિલમબાગ તરફના ડેરી રોડને વિકસાવવાનું કાર્ય હાથ ધર્યુ છે. જ્યારથી નવનિર્માણ કાર્ય હાથ ધર્યુ છે ત્યારથી લોકોમાં ભારે કચવાટ ફેલાયો છે. કારણ કે માર્ગ નવીનીકરણના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. ઉપરાંત સૌપ્રથમ બન્ને તરફના રોડને પહોળો કરવાના બદલે તંત્રએ રોડ વચ્ચે આયોજન વિનાની ડીવાઈડર બનાવી છે. પરિણામે માર્ગ સાંકડો થઈ જવા પામ્યો છે. અધુરામાં પુરૂ આ રોડ પર ખાડા અને અત્યંત ખરાબ હાલતમાં છે. આ રીતે રોડ નવનિર્માણનું કાર્ય કરી તંત્રએ પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યુ હોવાનો લોકો બળાપો વ્યક્ત કરી રહ્યાં છે. સુવિધા શુન્ય અને દુવિધા અપાર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલ લોકોની વ્યથા કોઈ સમજી શકશે શું આ અંગે તંત્ર ઘટતું કરશે ? જેવા પ્રશ્નો લોકો કરી રહ્યાં છે.