રાજ્ય સરકાર દ્વારા કુલ ૭૦ લાખ ક્વિંટલથી વધુ મગફળીની ખરીદી કરાઇ

649
guj1312018-10.jpg

રાજ્યના ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે લાભપાંચમ એટલે કે તા.૨૫ ઓક્ટોબર ૨૦૧૭થી મગફળીની ખરીદી કરવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રારંભ કરાયો છે. જેમાં નિયત ટેકાના ભાવ પ્રતિ ક્વિંટલ રૂ.૪૪૫૦ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પ્રતિ ક્વિંટલ રૂ.૫૦ બોનસ આપવામાં આવે છે. આમ પ્રતિ ક્વિંટલ રૂ.૪૫૦૦ ના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવે છે. મગફળી ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા કુલ ૨૬૬ કેન્દ્રો પરથી રાજ્યમાં તા.૬ જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં કુલ ૭૦,૨૬,૦૩૬.૦૭ ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે ૩૫૧ લાખ મણ જેટલી થાય છે. જેની કિંમત રૂ.૩૧૬૧.૭૧ કરોડ થાય છે. જેનો કુલ ૩,૬૧,પ૧૬ ખેડૂતોએ લાભ લીધો છે. આ પૈકી મોરબી જિલ્લામાં હળવદ, મોરબી, ટંકારા અને વાંકાનેર ખાતે ખરીદ કેન્દ્રો આવેલા છે. જેમાં મોરબી જિલ્લામાં તા.૬/૧/૧૮ના રોજ રૂ. ૭૬૯૨.૮૦ લાખની કિંમતની કુલ ૧૭,૦૯૫૧.૨૦ ક્વિન્ટલ મગફળીની ખરીદી થઇ છે. જેનો કુલ ૮૨૬૬ ખેડૂતોએ લાભ લીધો છે. જેમાં મોરબી ખાતે આવેલ ખરીદ કેન્દ્રની તા.૬/૧/૧૮ના રોજ ૨૩૬૫.૬૫ ક્વિંટલ મગફળીની ખરીદી થઇ છે. જેની અત્યાર સુધીમાં રૂ. ૯૩૦.૮૧ લાખની કિંમતની કુલ ૨૦,૬૮૪.૬૫ ક્વિંટલ મગફળીની ખરીદી થઇ છે. જેનો ૧૦૦૫ જેટલા ખેડૂતોએ લાભ લીધો છે. ઉપરાંત આ ખરીદ કેન્દ્ર ઉપર તા. ૬ જાન્યુઆરી ૨૦૧૮ની સ્થિતિએ ૨૫,૮૮૭ બારદાનનો જથ્થો ઉપલબ્ધ છે. ટંકારા ખાતેના બે ખરીદ કેન્દ્રોની તા.૬ જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં કુલ રૂ.૩૬૭૪.૮૪ લાખની કિંમતની કુલ ૮૧,૬૬૩.૦૫ ક્વિંટલ મગફળીની ખરીદી કરાઇ છે. જેનો કુલ ૪૦૪૨ ખેડૂતોએ લાભ લીધો છે.
ટંકારામાં સબયાર્ડના અભાવે ખરીદ કેન્દ્ર બંધ થવાના કારણે ટંકારાના ખેડૂત મિત્રોની મગફળી મોરબી ખાતેના ખરીદ કેન્દ્ર પરથી કરવામાં આવી રહી છે. જોકે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી નથી. મગફળીની ખરીદી રાજ્ય નોડલ એજન્સીઓ મારફત કરવામાં આવી રહી છે. જેમાં ખરીદેલી મગફળી ખરીદ કેન્દ્ર પરથી ગોડાઉન પર મોકલવાની વ્યવસ્થા ખરીદ સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. રાજ્યમાં ટેકાના ભાવે હાલમાં મગફળીની ખરીદી ચાલુ હોઇ, ખેડૂત ભાઇઓએ તેનો મહત્તમ લાભ લેવા ખેતી નિયામક ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

Previous articleયુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ૨૨૫૦ની ખંડણી માંગતા ચકચાર મચી
Next article૨૩ જાન્યુઆરીએ થશે ધારાસભ્યોની શપથવિધિ