રતનપરની સગીરા પર દુષ્કર્મ કરનારને ૭ વર્ષની કેદ

724
bvn2012018-8.jpg

બે વર્ષ પૂર્વે વલ્લભીપુર તાલુકાના રતનપર ગામે રહેતા એક શખ્સે સગીરાને ભગાડી અપહરણ કરી લઈ જઈ તેણીની સંમતિ વગર શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યાની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે પોકસો સહિતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ચાલી જતા અદાલતે આરોપીને સાત વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના રતનપર ગામે રહેતો મહેશ નામનો શખ્સ તા.રર-ર-ર૦૧૬ના રોજ સાંજે પ થી ૮ દરમ્યાન આ કામના ફરિયાદીની દિકરી ભોગ બનનાર ઉ.વ.૧૪ વર્ષ અને પ માસને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી, ભગાડી લઈ જઈ, મોણપુર ગામેથી હાઈવે પર થઈ, વલ્લભીપુરથી અમરેલી તરફ લઈ ગયેલ અને અમરેલી પાસેના કુડાવાવ ગામે આરોપીના સંબંધી વિપુલભાઈ ઉર્ફે મુકેશભાઈ બારૈયાના ઘરે લઈ ગયેલ અને રાત્રિ દરમ્યાન દરરોજ તેણીની સંમતિ વગર શરીર સંબંધ બાંધેલ જેથી ફરિયાદીએ બનાવ અંગે વલ્લભીપુર પોલીસ મથકમાં જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી મહેશ ઉર્ફે માલો ડાયાભાઈ દુમાડીયા કોળી સામે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસો એક્ટ ર૦૧રની કલમ ૪, ૮, ૧૭ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને પાંચમાં એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા-૧૯, લેખીત પુરાવા-૩ર વિગેરે ધ્યાને લઈને આરોપી મહેશ ઉર્ફે માલો ડાયાભાઈ દુમાડીયા કોળી સામેનો ગુન્હો સાબીત માની, તકસીરવાન ઠરાવી જુદી-જુદી કલમોમાં તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂા.૧૦ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા અદાલતે ફટકારી હતી.