મોદી અને અમીત શાહ આજે ગુજરાતમાં

674

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા કાર્યાલય ખાનપુર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય મેળવ્યા બાદ ગુજરાતની ગૌરવભૂમિ ઉપર પ્રથમવાર પધારી રહેલ લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કુશળ સંગઠનકર્તા તરીકે દેશભરમાં લોકચાહના પ્રાપ્ત કરનાર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની ૬ કરોડની જનતા જનાર્દનના આભારદર્શન માટે પધારી રહ્યા છે. આ અભિવાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નહી પરંતુ સમગ્ર ગુજરાતની અને દેશની જનતાનું અભિવાદન છે. આવતીકાલે સાંજે ૫.૦૦ કલાકે કર્ણાવતી મહાનગર ખાતે સરદાર વલ્લભભાઇ એરપોર્ટ ઉપર પધારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, દેશના લોહપુરુષ અને વૈશ્વિક વિભૂતિ સરદાર વલ્લભભાઇ પટેલની એરપોર્ટ ખાતે આવેલ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી ડફનાળા ચાર રસ્તા – રીવરફ્રન્ટ થઇ ખાનપુર જે.પી.ચોક ખાતે ભાજપાના ઐતિહાસિક કાર્યાલય ઉપર પધારશે અને અહીં જેપી ચોકના ઐતિહાસિક સ્થાન ઉપર ગુજરાતની ૬ કરોડ જનતાનું અને દેશની જનતાનું આભારદર્શન કરીને પ્રજાજનોનું અભિવાદન સ્વીકારશે. લોકહદયસમ્રાટ તથા ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાતના પનોતાપુત્ર અને કુશળ સંગઠક એવા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે સાંજે ૫.૩૦ વાગ્યે જે.પી.ચોક, ખાનપુર, અમદાવાદના ઐતિહાસિક સ્થળે આભારદર્શન જનસભા સંબોધશે. વાઘાણીએ સુરતમાં બનેલી કરૂણ ઘટના અંગે ઉંડો શોક વ્યકત કરીને મૃત્યુ પામેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શ્રધ્ધાંજલિ પાઠવીને અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરીને સરકાર તરફથી શક્ય તેટલી તમામ પ્રકારની સહાયની ખાત્રી આપી હતી. ઘટનામાં કસુરવારોની જવાબદારી નક્કી કરવા ગુજરાતની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરી વિકાસના સેક્રેટરીની અધ્યક્ષતામાં તપાસ ટીમ નીમી દેવામાં આવી છે અને નિયત સમયમર્યાદામાં કસુરવારોને શોધી કાઢીને તેમને સખ્ત સજા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવશે તેવી હૈયાધારણ વાઘાણીએ આપી હતી. આવનારા સમયમાં આવી દુર્ઘટના સંપૂર્ણપણે નીવારી શકાય તે માટે તમામ પગલાં લેવાની સરકાર તરફથી પુરેપુરી ખાત્રી ઉચ્ચારી હતી.

Previous articleધો.-૧૨ સા. પ્રવાહનુ ૭૩.૨૭ ટકા પરિણામ
Next articleઅમદાવાદ સહિતના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર