અમૂલના ખોટામાર્કા વાળું ઘી BSFને પધરાવી વેપારીએ છેતરપિંડી કરી

542

અમદાવાદના કાલુપુરના વેપારી પાસેથી બીએસએફ દ્વારા લેવાયેલું અમૂલનું ૧૭૦ લીટર ઘી બનાવટી નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. અમૂલની ઘી ન હોવા છતાં અમૂલના ખોટા માર્કા સાથે તેનું વેચાણ કરનારા વેપારી સામે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામ્યો છે. ચિલોડા બીએસએફ કેમ્પ ખાતે ૧ લીટરના ૧૦૨ પાઉચના વેંચાણ બાદ ઉઠેલી ફરિયાદોને પગલે સમગ્ર મામલો સામે આવ્યો છે.

ચિલોડા બીએસએફ કેમ્પ યુનિટ સ્ટોર માટે ૨૬ એપ્રિલના રોજ કાલુપુરના શેરાવાલી ટ્રેડર્સ ખાતેથી રાશનનો સામાન લવાયો હતો. જેમાં બીએસએફ સ્ટોર માટે અમૂલના ૧ લીટરના ૭૦ પાઉચ અને યુનિટ માટે ૧૦૦ પાઉચ એટલે કે કુલ ૧૭૦ લીટર ઘી ખરીદાયું હતું. એક લીટરના ૩૭૫ લેખે ૧૭૦ લીટરની કુલ કિંમત ૬૩,૭૫૦ થાય છે. જોકે આ ઘી અમૂલનું ન હોવાનું સામે આવતા બીએસએફ કેમ્પ ચિલોડા ખાતે આસીટન્ટ કમાન્ડન્ટ મહેન્દ્રસિંગ મલીયાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ટ્રેડમાર્ક એક્ટ, ગુનાહીત કાવતરુ રચી માનવ શરીરને નુકસાન થાય તેવા કૃત્ય અને છેતરપીંડી અને ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે. ૧ કિલોના ૧૭૦ પાઉચમાંથી ૭૦ પાઉચ સ્ટોર માટે અને ૧૦૦ યુનિટ માટે મુકાયા હતા. જેમાંથી યુનિટ ખાતે ૪૯ પાઉચ જ્યારે સ્ટોર ખાતે ૧૯ પાઉચ બાકી રહ્યાં હતા ત્યારે ઘી અમૂલનું ન હોવાનું સામે આવ્યું હતું.

અધિકારી કક્ષાની મેસમાંથી ફરિયાદ ઉઠતા ચેકિંગ કરાયુંઃ ચિલોડા કેમ્પ ખાતે અધિકારી કક્ષાની મેસમાંથી ફરિયાદ ઉઠી હતી કે ઘી અમૂલ બ્રાન્ડનું હોવાનું લાગતું નથી. જેથી બીએસએફ દ્વારા તેના સેમ્પલ અમૂલ ડેરી ગાંધીનગર ખાતે મોકલાયા હતા. ડેરી દ્વારા ચકાસણી બાદ રિપોર્ટ અપાયો હતો કે, ઘી અમૂલનું નથી પરંતુ અમૂલ નામના ખોટા પેકીંગ બનાવી તેમાં ઘી ભરી વેચાણ કરેલ છે.

Previous articleચીલોડામાં નજીવી તકરારમાં મિત્રે કરી મિત્રની હત્યા
Next articleમંદિરમાં અચાનક ભૂવો પડતા પૂજારી ૧૫ ફૂટ નીચે ખાબક્યા