ગાંધીનગર-સરખેજ હાઈવે પર કાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત

978
gandhi2812018-2.jpg

સરખેજ-ગાંધીનગર હાઈવે) પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે બે મહિલા અને એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની વિગત મુજબ ૨૫ જાન્યુઆરીના રાત્રે અઢી વાગ્યાની આસપાસ સરખેજ-ગાંધીનગર હાઈવે પર અંદાઝ પ્લાર્ટી પ્લોટ પાસે વેગનઆર (જીજે.૧.આરએ.પ૮૩૭) અને એન્ડેવર (જીજે.૧.આરએસ.૩૦૦૬) કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે મૃતક અમિત પંડ્‌યાના પત્ની કિર્તિબેન પંડ્‌યા કાર ચલાવી રહ્યા હતા.
આ અકસ્માતમાં વેગનઆરમાં સવાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મૃતકોમાં બિપિન કુમાર પંડ્‌યા અને તેમનો દીકરો અમિત કુમાર પંડ્‌યા સામેલ છે. જ્યારે બે મહિલા અને એક બાળકની હાલત ગંભીર છે. આ પરિવાર સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ એન્ડેવરનો ડ્રાઈવર કાર મુકીને ફરાર થઇ ગયો હતો. કારચાલકની કારમાં સોડાની બોટલ્સ મળી આવી હતી. પોલીસે અકસ્માત બાદ કાર જપ્ત કરી કાર માલિક કોણ છે અને કાર કોણ ચલાવી રહ્યું હતું તેની તપાસ શરૂ કરી હતી. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં મોટો ધડાકો થયો હતો. જેથી તેઓ દોડી આવ્યા હતાં ત્યારે વેગેનઆર કારમાં બે લોકોના મોત થઇ ચૂક્યા હતા. જ્યારે મૃતક અમિત પંડ્‌યાના પત્ની કિર્તિ બેન અને તેમના સાસુ તથા દીકરા(૮ વર્ષ)ને ઘાયલ અવસ્થામાં હતાં, જેમને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.