છઠ્ઠી જુન, ર૦૧૯ના રોજ શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલય, સેકટર.૩૦, ગાંધીનગરમાં શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિદ્યાલયના પ્રાચાર્ય યુવરાજસિંહ વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્ય વક્તા તરીકે રોટરી કલબના પૂર્વ પ્રમુખ તથા દાર્શનિક વિદ્વાન અરવિંદભાઈ રાણા તથા સહવક્તા તરીકે વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સેવાઓ આપતા શિક્ષકો ઉપરાંત આ જ સંકુલમાં કાર્યરત અંગ્રેજી માધ્યમની શાળાના શિક્ષકોએ પણ ઉપસ્થિત રહી જ્ઞાનાર્જન કર્યું હતું.
વૈદિક પ્રવક્તા અરવિંદભાઈ રાણાએ મુખ્ય વક્તા તરીકે ઉદબોધન કરતા કહ્યું હતું કે સારો શિક્ષક એને કહેવાય જે હમેશા પોતાના જ્ઞાનને અપગ્રેડ કરતો રહે, પોતાના પસંદગીના વિષયમાં વધુ ઉંડાણમાં જઈ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરતો રહે. શિક્ષક કોમ્યુનીકેશન સ્કીલમાં એકસપર્ટ હોવો જ જોઈએ. બાળકોને તેઓ સમજી શકાય તેવી સરળ ભાષામાં અને સરળ શૈલીમાં જ્ઞાન આપવું જોઈએ. શાળામાં અભ્યાસ કરતા બાળકોનું કદી બધા વચ્ચે માન ન ઘવાય તેનું શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ. બાળકો હમેશા પોતાના પ્રત્યે હકારાત્મક બન્યા રહે તેવા પ્રકારનું સકારાત્મક અને પ્રોત્સાહક વર્તન શિક્ષકનું હોવું જોઈએ. પોતાની વાણી કે વર્તનથી કોઈ રોન્ગ મેસેજ સમાજ કે પરિવારમાં ન જાય તે બાબતે પણ પ્રત્યેક શિક્ષિકે જાગૃત બન્યા રહેવું જોઈએ. જ્ઞાન આપવાનું ખૂબ પવિત્ર અને રિસ્પેક્ટેડ કાર્ય છે, તેને કોઈ પ્રકારનું લાંછન ન લાગે તે જોવાનું રહે છે. આ ઉપરાંત તેમણે શિક્ષકોને કન્વીસીંગ પાવર વધારવા જણાવ્યું હતું. પ્રવચનના અંતિમ ભાગમાં શિક્ષકોને ધ્યાનનું મહત્વ તથા લાભ વિષે સમજ આપી પ્રતિદિન ધ્યાન કરવા અનુરોધ કર્યો હતો.
વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધીએ ઉપસ્થિત શિક્ષિકોને સંબોધતા કહ્યું હતું કે સાચો શિક્ષક રાષ્ટ્રના ભવિષ્યનું ઉત્તમ રીતે ઘડતર કરનાર મહાન શિલ્પી છે. બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિને ઉજાગર કરી સમાજમાં ઉત્તમતાનું પ્રસારણ કરવાનું કામ શિક્ષકોના શીરે છે. પોતાનામાં રહેલ જ્ઞાનનું વિદ્યાર્થીઓમાં કયા પ્રકારે સીધેસીધું પૂર્ણતઃ સ્થળાંતર કરી શકાય તે બાબતે શિક્ષકોએ વિશેષ પુરુષાર્થ કરવાનો રહે છે.
જયાં સુધી શિક્ષક પોતે એક ઉત્તમ ગુણવાળો, શ્રેષ્ઠ આચાર-વિચાર-વ્યવહારવાળો ન બને ત્યાં સુધી તે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનાવી ન શકે. સર્વપ્રથમ પ્રત્યેક શિક્ષકે અન્યને સુધારતા પહેલા પોતાની જાતને સુધારવી પડશે. તે માટે તેણે એકાંતમાં જઈ આત્મ નિરીક્ષણ કરી પોતાની જાત સાથે મુલાકાત લેવી પડશે. અન્ય ઉપર દોષારોપણ કરતાં પહેલા પોતાના દોષો-ભૂલો શોધી તેમાં સુધાર કરવો પડશે.


















