નેનો મટીરીયલ્સ ફોર એનર્જી કન્ઝર્વેશન એન્ડ સ્ટોરેજ એપ્લીકેશન અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો

721
gandhi30-1-2018-3.jpg

પંડિત દિનદયાળ પ્રેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ.)ના સોલાર રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ત્રિદિવસીય નેનો મટીરીયલ્સ ફોર એનર્જી કન્ઝર્વેશન એન્ડ સ્ટોરજ એપ્લીકેશન અંગેના આંતર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ પરિસંવાદ ઉર્જા અને પેટ્રો કેમિક્લ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટી અને યુ.એસ.એ.ની કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો. વિજય મોદીના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી.
પરિસંવાદને ખુલ્લી મુકીને રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટીએ જણાવ્યું હતું કે, પી.ડી.પી.યુ.એ ઉર્જા સામગ્રીઓ અને તેમના વિષય પર સંશોધન કરનારી રાજયની ટોચની સંસ્થાઓ પૈકી એક સંસ્થા છે. સંભવિત નવીનીકરણ ઉર્જાક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધનો અને સંગ્રહ કરવાના નવીન સંશોધનો અંગે વિચારોની આપ-લે કરવા માટે આ પરિસંવાદ સેતું રૂપ બની રહેશે. પી.ડી.પી.યુ.ના સૌર સંશોધન વિકાસ કેન્દ્રનું ઉમદા ભવિષ્ય અને આ પરિસંવાદના સુચારૂ આયોજન માટે તેમણે અભિનંદન પણ પાઠવ્યા હતા. 
યુ.એસ.એ.ની કોલમ્બિયા યુનિવર્સિટીના પ્રો. વિજયભાઇ મોદીએ જણાવ્યું હતું કે, હું શિક્ષણ ક્ષેત્રનો વ્યક્તિ છુ, મારી પાસે નેનોમટીરીયલ્સ અંગેની કોઇ વિશિષ્ટ જ્ઞાન નથી, પણ નેનોમટીરીયલ્સની મહત્વતા સોલર ઉર્જાના ઉત્પાદનમાં વધતી જાય છે, ત્યારે આ દિશામાં સંશોધન અને નવીન શોધોની આપ-લે કરવા માટે આ પરિસંવાદ મહત્વની ભૂમિકા અદા કરશે. 
ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ પેદાશના ઉત્પાદન વધારવા માટે પાકને નિયમિત પાણી આપવા વીજળીની જરૂરિયાત વધુમાં વધુ રહે છે, ત્યારે વીજળીની માંગને પહોંચી વળવા માટે સોલાર ઉર્જા એ મહત્વનો ભાગ બની રહેશે. તેમજ દેશની વીજળીની સમસ્યાને હલ કરવા માટે પણ મદદગાર બની શકશે. તેમજ વીજળીનું ઉત્પાદન વધતાની સાથે સાથે આપણે એલ.પી.જી.ગેસ પર રસોઇ બનાવવાની જગ્યાએ વીજ સગડી પર રસોઇ બનાવાની દિશા સુધી પહોંચવા પ્રયત્નશીલ થવું પડશે.
પી.ડી.પી.યુ.ના ડાયરેકટર જનરલ ટી. કિશનકુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, સૂર્ય એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત્ર છે, સોલર ઉર્જાના ઉત્પાદન થકી પ્રદુષણની માત્રા તો ઘટશે અને સાથે સાથે દેશમાં ક્રૂડ ઓઇલને આયાતની માત્રા પણ ઘટશે. સોલાર ઉર્જાનું ઉત્પાદન કેમ વધે તેમજ તેનો સંગ્રહ કરવાની ક્ષમતા કેમ વધે તે દિશામાં આગળ વધવું હવે જરૂરી બની ગયું છે. પી.ડી.પી.યુ.માં સોલાર ઉર્જાનું એક મેગા વોટ ઉત્પાદન પણ કરવામાં આવી રહ્યું છે. સોલર અને ન્યુકલીયરએ ઉર્જાના સૌથી મોટા સ્ત્રોત્ર છે, તેવું કહી પી.ડી.પી.યુ.ના પ્લાનીંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પલક શેઠે પી.ડી.પી.યુ.માં ચાલતાં સોલર ઉર્જાના વિવિધ અભ્યાસક્રમો અંગે અને અન્ય અભ્યાસક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી.
પી.ડી.પી.યુ.ના એસ.ઓ.ટી. ના ડાયરેકટર ટી.પી.સિંગે જણાવ્યું હતું કે, આ પરિસંવાદ એ સોલર ઉર્જા અંગેના સંશોધન અને એન્જિનયરીંગ ક્ષેત્રોની ઉત્તમ તકો કેવી છે, તેની માહિતી આપવા અને નવીન આઇડિયા તથા સંશોધનોની આપ-લે કરવા માટે એક મંચ પુરું પાડશે. પી.ડી.પી.યુ.ના સોલાર રિચર્સ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રો. ઇન્દ્રજીત મુખોઉપાધ્યાયએ મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, આપણે ઉર્જાની વધતી જતી માંગને કેવી રીતે સોલાર ઉર્જા થકી સંતોષી શકીશું, તેનો સંગ્રહ કરી શકીશું તેમજ કુદરતની હરિયાળી બચાવી શકીશું જેવા અનેક વિષયની ચર્ચા આ પરિસંવાદમાં કરવામાં આવશે. તેમજ પરિસંવાદના આગામી દિવસોમાં યોજાનાર જુદા જુદા વિષય પર થનાર ચર્ચા અંગેની જાણકારી આપી હતી.

Previous article શહેરમાં ૪૩૭ બુથ ઉપર બાળકોને પોલીયો વિરોધી ટીપા પીવડાવાયા
Next article ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે