મહાપાલિકાના રંગમંચોમાં સીસીટીવી લગાડવા નિર્ણય

607
gandhi222018-2.jpg

પાટનગર યોજના વિભાગ હસ્તકના અને એક સમયે સતત ધમધમતા રહેતા વિવિધ સેક્ટરના રંગ મંચ જાળવણીના અભાવે ખંડેર જેવી સ્થિતિમાં આવી ગયાં પછી મહાપાલિકા દ્વારા આ પૈકીના ૬ રંગ મંચનો કબ્જો સંભાળવામાં આવ્યો છે અને તેના નવીનીકરણની જંગી ખર્ચની યોજના અમલી કરવામાં આવી છે. 
હવે રિનોવેશનની આ યોજનામાં સીસી ટીવી સર્વેલન્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. પરિણામે આ સ્થળોએ જાહેર સમારંભ અને મેળાવડામાં બનતા ગુના શોધવામાં પોલીસને મદદ મળશે અને કેમેરા લાગેલા જોવામાં આવશે તેના કારણે જ કેટલાક ગુના બનતા અટકશે. 
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે. બી. બારેયાએ જણાવ્યું કે શહેરમાં સીસી ટીવી સર્વેલન્સ એક્ટિવ કરવામાં આવ્યા પછી તેના સારા પરિણામ મળી રહ્યાં છે. ખાસ કરીને પોલીસ વિભાગને ગુનાના ભેદ ઉકેલવામાં કેમેરા મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ત્યારે મહાપાલિકા દ્વારા રંગ મંચના રિનોવેશનની યોજનામાં સુરક્ષા સંબંધિ બાબતોનો ઉમેરો કરાયો છે. 
મનપાના સિટી ઇજનેર ભરત પંડ્‌યાના જણાવવા પ્રમાણે પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર ૧૬, ૨૦, ૨૨, ૨૮, ૨૯ અને સેક્ટર ૩૦ના રંગ મંચ તંત્રને સોંપવામાં આવ્યા છે અને તેના રિનોવેશનની યોજના હાથ ધરાઇ છે. આ તમામ રંગ મંચમાં હવે સીસી ટીવી સર્વેલન્સની સુવિધા ઉભી કરવામાં આવશે.