જિલ્લામાં સ્વાઈન ફ્લુ વકર્યો  વાર્ષિક કેસ ૧૬૦ પહોચ્યા

864
gandhi4-2-2018-5.jpg

જિલ્લામાં સ્વાઇન ફ્‌લુનો રોગચાળો વકર્યો છે. તાજેતરમાં કલોલના બોરિસણા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને સ્વાઇન ફ્‌લુ પોઝિટીવ આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. આ સાથે ચાલુ વર્ષે જિલ્લામાં સ્વાઇન ફ્‌લુનો આંકડો ૧૬૦ પર પહોંચ્યો છે. જયારે અત્યાર સુધીમનાં ૧૯ લોકોના મોત નિપજ્યા છે. 
સ્વાઇન ફ્‌લુને અટકાવવામાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નિષ્ફળ રહ્યા છે. જો, આરોગ્ય તંત્ર આ મામલે ગંભીર નહી બને તો આગામી દિવસોમાં સ્વાઇન ફલુ સહિતનો રોગચાળા વધુ વકરવાની દહેશત છે. ચાલુ વર્ષે જિલ્લામાં સ્વાઇન ફ્‌લુએ માઝા મુકી છે. ચોમાસા અને દિવાળી દરમિયાન જિલ્લામાં સ્વાઇન ફ્‌લુના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. પરંતુ ત્યારબાદ નવેમ્બર ડિસેમ્બરમાં સ્વાઇન ફ્‌લુના દર્દીઓની સંખ્યા ઘટી ગઇ હતી. છેલ્લે ડિસેમ્બર માસમાં સ્વાઇન ફ્‌લુ દેખાયો હતો. ત્યારબાદ એક માસના અંતરે પુનઃ સ્વાઇન ફ્‌લુએ દેખાદીધી છે.
 પ્રાપ્ત વિગતો મુજબ, બોરિસણાના એક પરિવારના ત્રણ સભ્યો સ્વાઇન ફ્‌લુની ઝપટે ચડી ગયા છે. પ્રથમ પરિવારના એક પુરૂષ વ્યક્તિને સ્વાઇન ફ્‌લુ ુપોઝિટીવ આવ્યો હતો ત્યારબાદ તેઓના પત્ની અને દિકરીની પણ તબિયત લથડી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે ચાલુ વર્ષમાં જિલ્લામાં સ્વાઇન ફ્‌લુ પોઝિટીવ કેસનો આંક ૧૬૦ પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૯ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં સ્વાઇન ફ્‌લુ પોઝિટીવના૬૪ દર્દીઓ નોંધાયા છે. જિલ્લામાં જે રીતે સ્વાઇન ફ્‌લુ સહિતના રોગચાળો વકરી રહ્યો છે તેને કંટ્રોલમાં લેવામાં આરોગ્ય તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યુ છે.

Previous article કામધેનુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો
Next article ગાંધીનગર મનપા સ્થાયી સમિતિએ વિકાસ અને પ્રજાલક્ષી કામોને પ્રાધાન્ય આપી કરમાં ઘટાડો કર્યો